ચીનના વુહાનમાંથી પ્રગટેલી કોરોનાની ભુતાવળ માનવ સમાજનો લાંબા સમય સુધી કેડો મુકે તેમ નથી. કોરોનાનો પ્રથમ વાયરો કરોડોના ચેપ લગાવી લાખોને યમધામ પહોંચાડયા બાદ ફરીથી નવા રૂપ, રંગ, લક્ષણો અને તાકાતથી કોરોનાનો બીજો વાયરો આવી ચુકયો છે ત્યારે અગાઉની જેમ કોઈપણ સંજોગોમાં બેદરકારી પાલવે તેમ નથી. ફરીથી અંશત: પ્રતિબંધાત્મક પગલાઓ દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે તંત્રએ કવાયત હાથધરી છે. કોરોનાના વાયરાને કાબુમાં લેવા માટે જાહેર મેળાવડા અને ભીડ હવે ઘાતક બને તેમ હોય પરિસ્થિતિની નજાકતને ધ્યાને લઈ હોળી અને ધુળેટીના તહેવારોમાં ધાર્મિકવિધિને છુટ સાથે સરકારે હોળીના તહેવારોની ગાઈડલાઈન જારી કરી છે.

સરકારે જારી કરેલી ગાઈડલાઈનમાં હોળીની ધાર્મિકવિધિ અને પ્રાગટય ઉજવણીની મર્યાદિત સંખ્યામાં મંજુરી આપવામાં આવશે. જોકે બીજા દિવસે રંગોના તહેવાર તરીકે ઉજવવામાં આવતા ધુળેટીના તહેવારોની ઉજવણીની મંજુરી આપવામાં નહીં આવે.સમગ્ર દેશના વિવિધ વિસ્તારોમાં કોરોનાના સંક્રમણના કેસની સંખ્યામાં વિસ્ફોટક વધારો થઈ રહ્યો છે ત્યારે હોળી-ધુળેટીના તહેવારો સામાજીક ભીડ અને કોરોના સ્પ્રેડરમાં નિમિત ન બને તે માટે સરકારે ધાર્મિક વિધિનું સન્માન અને સામાજીક સલામતીના બેવડા અભિગમનું સંકલન થાય તે માટે હોળી-ધુળેટીના તહેવારોને લઈને એક ખાસ પ્રકારની ગાઈડલાઈન જારી કરી છે. રાજય સરકાર દ્વારા જારી કરવામાં આવેલી આ ગાઈડલાઈનમાં હોળીનું પ્રાગટય ખુબ જ મર્યાદિત સંખ્યામાં હાજરી વચ્ચે કરવાની છુટ આપવામાં આવી છે.

જયારે હોળીને લગતી તમામ ધાર્મિક વિધિની મંજુરી આપવામાં આવશે. અલબત લોકોના ટોળા જમા ન થાય અને અબિલ-ગુલાલ અને રંગના આ તહેવારો મહામારીની કાલીમા ફેલાવવા નિમિત ન બને તે માટે હોળીના બીજા દિવસે ધુળેટીની ઉજવણીની મંજુરી ન આપવાનું નકકી કર્યું છે. મર્યાદિત લોકોની હાજરીમાં હોળી પ્રગટાવી શકાશે પરંતુ લોકોની ભીડ ન થાય તે માટે બીજા દિવસે ધુળેટીના તહેવાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હોળી દહનને શરતી મંજુરી આપવાના સરકારના માર્ગદર્શક જાહેરનામાને લઈ હોળી પ્રાગટય માટે સરકારની છુટ મળતા ધર્મ પરંપરાને જાળવીને તહેવારોની ઉજવણીના ઉપાસકોમાં આનંદ છવાયો છે. હજુ કોરોનાનો નવો સ્ટ્રેન આવે તેવી દહેશતના પગલે સરકારે હોળીના તહેવારોને લઈને ગાઈડલાઈન જારી કરી છે જેમાં હોળીની ધાર્મિક પરંપરાવિધિથી પ્રાગટય કરવાની છુટ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પરંપરાગત રીતે હોળી-ધુળેટીના તહેવારો ધાર્મિક કરતા સામાજીક તહેવારો તરીકે સવિશેષ ઉજવવામાં આવે છે. અનેક શહેરો-ગામોમાં હોળી-ધુળેટીના તહેવારોને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે. આ વખતે કોરોનાના સંક્રમણના વાયરામાં જાહેર કાર્યક્રમોને મંજુરી મળતી ન હોવાથી ઠેર-ઠેર હોળી-ધુળેટીના આયોજકોમાં મંજુરી અંગે અસમંજસતા પ્રવર્તી હતી. આજે રાજય સરકારે હોળીની ઉજવણી અંગે માર્ગદર્શિકા જાહેર કરી હોળી પ્રાગટયને મંજુરી આપવાનો નિર્ણય લેતા આયોજકોમાં હાશકારો થયો છે. હોળીની તૈયારી બે-ત્રણ દિવસ પહેલા જ કરવામાં આવે છે. હોળીના સ્થળે સાફ-સફાઈ અને ધાર્મિક વિધિની સાથે સાથે લાકડા જમા કરાવવામાં આવે છે. હોળીની મંજુરી મળશે કે કેમ ? તેની અસમંજસમાં આયોજકોની તૈયારી બંધ હતી. આજે સરકારી ગાઈડલાઈન જાહેર થતાની સાથે જ હોળીની તૈયારીઓ શરૂ થઈ જવા પામી છે. વિવિધ ગ્રામ્ય અને શહેરોમાં હોળીના લાકડા અને તૈયારી માટે ફાળાની ગોઠ ઉઘરાવવાની અલગ-અલગ પરંપરા હોય છે. જુનાગઢમાં નવાબકાળથી હોળીના દિવસે વ્યસનમુકિતના સુત્રોચ્ચાર સાથે વાલમબાપાની નનામી કાઢીને હોળીના લાકડા અને છાણાની ગોઠ ઉઘરાવવામાં આવે છે. અસલ નનામી બનાવી આગળ દોણી સાથે ચાલતો યુવક કોણ મરી ગયું વાલમબાપા…. કેવી રીતે બીડી પીતાના સુત્રોચ્ચાર સાથે ઘેર-ઘેર ફરીને હોળીની ગોઠ ઉઘરાવે છે અને સાથે સાથે બીડી પીવાથી મૃત્યુ સુધીની ચેતવણીના સુત્રોચ્ચાર સાથે વાલમબાપાની નનામીમાં વ્યસન મુકિતનો પ્રચાર થાય છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ગીરમાં અને કાઠિયાવાડના વિવિધ વિસ્તારોમાં હોળી અને ધુળેટીની આગવી પરંપરાની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે સરકારે હોળીની પરંપરાગત ઉજવણીની છુટ આપી છે પરંતુ ભીડ ભેગી ન થાય તે માટે ધુળેટીના જાહેર કાર્યક્રમોને મંજુરી આપવામાં આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.