- એકથી એક ચડિયાતી વેરાયટીનું આકર્ષણ
હોળી અને ધુળેટી સહિતના રંગોના પર્વની ઉજવણી કરવા માટે જામનગરના યુવાઓ, બાળકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે બજારમાં 20 થી વધુ નવી વેરાઈટીની પિચકારીઓનું આગમન થયું છે. જે ગ્રાહકોની ફેવરેટ બની છે. મહત્વનું છે કે જામનગરમાં પિચકારીઓનું 70 થી 80 લાખથી વધુનું ટર્નઓવર હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે હાલ ગત વર્ષ કરતાં 5 થી 10 ટકા જેવો વધારો છે. છતાં પણ ઘરાકી ધોમ હોવાનો વેપારીઓએ દાવો કર્યો છે.
જામનગરમાં શરૂ સેક્શન રોડ પર છેલ્લા 15 થી 16 વર્ષથી સીઝનલ વ્યવસાય કરતા ચેતન દોણસીયા નામના વેપારીએ જણાવ્યું હતું આ વર્ષે ઘરાકીનો કરંટ સારો જોવા મળી રહ્યો છે. જામનગરની બજારમાં અંદાજે વાત કરીએ તો 200 થી 250 જેટલી જાતની પિચકારીઓ બજારમાં જોવા મળે છે. જેમાં 200 રૂપિયાની કિંમતમાં હથોડી, 250 રૂપિયાની કિંમતમાં કુહાડી તો ₹400 ની કિંમતમાં તલવાર અને 250 રૂપિયાની કિંમતમાં ડમરૂ ત્રિશુલ સહિત પિચકારીનું વેચાણ થઈ રહ્યું છે.
આ ઉપરાંત બાળકોમાં નાની પિચકારી જોવા મળે છે. હોટ ફેવરિટ છોટાભીમ, મૂકી માઉસનું પણ વેચાણ થઈ રહ્યુ છે. એટલે કે 30 રૂપિયાથી લઈ ₹1,000 સુધીની કિંમતની પિચકારી હાલ વેંચાઈ રહી છે. આ ઉપરાંત ભગવાનને ધરવા માટેની પિચકારી પણ મળે છે. આ પિચકારીની કિંમત 30 રૂપિયાથી શરૂ થાય છે. જે હોળી ધુળેટીના દિવસે ભગવાનને ધરી તેઓની સાથે હોળી રમ્યાનો ભાવ અર્પણ કરવામાં આવે છે.
આ ઉપરાંત રંગોના પર્વ હોળી ધુળેટીમાં કલરનું પણ ખૂબ મહત્વ હોય છે ત્યારે બજારમાં 100 રૂપિયાની કિંમતમાં 10 કિલોનું બાચકું કલરનું મળે છે જ્યારે છૂટકમાં કિલોના 30 થી 40 રૂપિયાના ભાવે વેચાણ થઈ રહ્યું છે. અમારે ત્યાં 15 થી 20 પ્રકારના નેચરલ ગુલાબના કલર હાલે છે. નેચરલ કલર શરીરમાં નુકસાન કરતા નથી.
અહેવાલ: સાગર સંઘાણી