સીમરનજીતસિંહે બે ગોલ ફટકાર્યા: કવાર્ટર ફાઈનલમાં પ્રવેશવા ૨જી ડિસેમ્બરે ભારતે બેલ્જીયમ સામે ટકરાવું પડશે
ઘર આંગણે થયેલ રાષ્ટ્રીય રમત હોકી વર્લ્ડકપનો પ્રારંભ થયો છે ત્યારે ભારતે ખુબજ આત્મવિશ્વાસ સાથે આફ્રિકાને ૫-૦થી હરાવી ધમાકેદાર પ્રવેશ કર્યો છે. વર્લ્ડ રેન્કીંગમાં પાંચમુ સ્થાન ધરાવતી મેન્સ હોકી ટીમે સાઉથ આફ્રિકાને આક્રમક પ્રદર્શનથી પછાડયું હતું અને આ સાથે જ પોઈન્ટ ટેબલમાં ખાતુ પણ ખોલાવ્યું છે.
ભારત અને આફ્રિકાની મેચમાં આફ્રિકન ખેલાડીઓ સંઘર્ષ કરતા દેખાયા તો તેનો લાભ લેતા ભારતીય હોકી ધુરંધરોએ રંગ રાખ્યો હતો. ભારત તરફથી સીમરનજીતસિંહે બે ગોલ ફટકાર્યા હતા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. હવે ભારતની કવાર્ટર ફાઈનલમાં પ્રવેશવાની આશા મજબૂત થાય તે માટે ટીમ ઈન્ડિયાએ બેલ્જીયમ સામે ટકરાવું પડશે.
વર્લ્ડકપની પ્રથમ મેચમાં જ ભારતની આક્રમક શરૂઆત રહી હતી. મંદિપસિંહે મેચની ૧૦ મીનીટે જ ગોલ ફટકારી ભારતને સરસાઈ અપાવી હતી અને અડધા મેચ બાદ પણ ભારતનું પ્રદર્શન વધુમાં વધુ આક્રમક અને જોશીલુ બનતા સાઉથ આફ્રિકાની હોકી ટીમ ભારત સામે ટકી શકી ન હતી. ગોલ કીપરથી લઈ પાસીંગ અને ડિફેન્ડરોએ પણ ખુબજ શારૂ પરર્ફોમન્સ આપ્યું હતું તેથી સાઉથ આફ્રિકાના કેટલાક પ્રયાસોને નિષ્ફળ બનાવી અંતે ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી હતી.