ટુર્નામેન્ટના અંતે તમામ ખેલાડીઓને મેડલ આપી સન્માનિત કરાયા: ઉજવણીમાં ડીસીપી મનોહરસિંહ જાડેજા: આરકેસીનાં પૂર્વ પ્રીન્સીપાલ ઐયાઝખાન, આર્મીના એકસ કેપ્ટન જયદેવ જોષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા
હોકી રાજકોટ દ્વારા રવિવારે ઓલિમ્પિક ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરનાં ખેલાડીઓ વચ્ચે ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી ટુર્નામેન્ટનાં અંતે તમામ ખેલાડીઓને મેડલ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ ઉજવણી દરમિયાન ડીસીપી મનોહરસિંહજી જાડેજા, આરકેસીનાં પૂર્વ પ્રિન્સીપાલ ઐયાજ ખાન, ઉદ્યોગપતિ વિનેશભાઈ પટેલ, વિક્રમ જૈન, દિવ્યેજ ગજેરા, આર્મીના એકસ કેપ્ટન જયદેવ જોષી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટના વિજેતા અને રનરઅપ ટીમના ખેલાડીઓને મેડલ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. હોકી રાજકોટના મહેશ દિવેચાએ ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા. રાજકોટ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, ઓલમ્પિક ડે નિમિતે હોકી રાજકોટ દ્વારા જે ઉજવણી કરવામાં આવી જેમાં મોટાભાગની ટીમોએ ભાગ લીધો છે. આ હોકી સ્પર્ધામાં મોટા પ્રમાણમાં યુવાનો જોવા મળે છે. એટલે ભારતમાં તો હોકીનું સ્તર ખૂબજ ઉંચુ છે જે અહી સાર્થક થાય છે. હોકી ખેલાડી તાનિયા લીંબાસીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે દર વર્ષે ઓલિમ્પિક દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ વર્ષે પણ ઓલિમ્પિક દિવસની ભવ્ય ઉજવણી કરવામા આવી છે. હું છેલ્લા ૨ વર્ષથી આ ઈવેન્ટમાં ભાગ લઉ છું અહી હોકી રમીને ખૂબજ આનંદ આવે છે. અને વધુને વધુ લોકો હોકી તરફ પ્રેરાય કેમકે હોકી આપણી રાષ્ટ્રીય રમત છે.
હોકીના ખેલાડી વાઘેલા ધર્મરાજે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે, હું રાજકોટથી જ આવું છું હું ૫ વર્ષનો હતો ત્યારથી હોકી રમુ છું ખાસ તો, ઓલિમ્પિક ડેના દિવસે જે કોઈ ખેલાડી અહી રમવા માટે આવે છે તેનો ઉત્સાહ અનેરો હોય છે. હાર જીત નહી પરંતુ રમવાનો આનંદ આવે તે રીતે રમત રમવી જોઈએ.