વાહન વેરા પેટે કોર્પોરેશનને રૂ.24.74 કરોડની આવક: સૌથી વધુ 31,574 ટુ-વ્હીલરનું વેંચાણ

બજારમાં મહામંદી પ્રવર્તી રહી હોવાની માત્ર વાતો જ થઇ રહી છે. મોજ-શોખ કરવા રાજકોટવાસીઓ ક્યારેય પાછી-પાની કરતા ન હોવાનું વધુ એકવાર પૂરવાર થયું છે. નાણાકીય વર્ષ-2022-2023માં મોજીલા રાજકોટવાસીઓએ રૂ.1103 કરોડના 42038 વાહનોની ખરીદી કરી છે. વાહન વેરા પેટે કોર્પોરેશનને રૂ.24.74 કરોડની આવક થવા પામી છે. ગત વર્ષ કરતા આવકમાં 7 કરોડ રૂપિયોનો વધારો થયો છે અને અંદાજે 4742 જેટલા વાહનો વધુ વેંચાયા છે.

ગત 1લી એપ્રિલથી 31 માર્ચ સુધીના એક વર્ષના સમયગાળામાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી સંચાલિત 42038 વાહનોનું વેંચાણ રાજકોટમાં થયું છે. રૂપિયામાં જોવામાં આવે તો રાજકોટવાસીઓએ દર મહિને અંદાજે 90 કરોડના વાહનોની ખરીદી કરી છે. વર્ષે દહાડે 1103 કરોડના વાહનો છોડ્યા છે. 2021-2022માં 37296 વાહનોનું વેંચાણ થયું હતું. વ્હીકલ ટેક્સ પેટે રૂ.1033 કરોડની આવક થવા પામી છે. આ વર્ષે 4742 વાહનો વધુ વેંચાયા છે. જેના થકી કોર્પોરેશનની ટેક્સની આવકમાં પણ 7 કરોડનો વધારો થયો છે. સૌથી વધુ 31574 ટુ-વ્હીલરનું વેંચાણ થવા પામ્યું છે. જ્યારે 9219 કાર પણ રાજકોટવાસીઓએ છોડાવી છે.

વ્યવસાય વેરા પેટે રૂ.38 કરોડની આવક

વ્યવસાય વેરા પેટે કોર્પોરેશનને વર્ષ-2022-2023માં રૂ.38 કરોડની આવક થવા પામી છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા વર્ષ-2019-2020 વ્યવસાય વેરામાં વ્યાજ માફી યોજના મૂકવામાં આવી હતી. ત્યારે રૂ.15.40 કરોડની આવક થઇ હતી. આ વખતે અઢી ગણી આવક થવા પામી છે. બજેટમાં વ્યવસાય વેરાનો લક્ષ્યાંક રૂ.35 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. દરમિયાન રિવાઇડ્ઝ બજેટમાં વધારી રૂ.38 કરોડ કરવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ પણ પૂરો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.