કોર્પોરેશનની ઘોર બેદરકારી: અકસ્માત સહેજ અટક્યો
ગત જાન્યુઆરી માસમાં વાહન ચાલકો માટે ખૂલ્લો મુકવામાં આવેલો લક્ષ્મીનગર અન્ડરબ્રિજ પર કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલું વિશાળકાય નેઇમ હોર્ડિંગ્સ બોર્ડ ધરાશાયી થઇ ગયું હતું. જો કે, સદ્નશીબે અકસ્માત સહેજ અટક્યો હતો.
જૂના અને નવા રાજકોટને જોડતા લક્ષ્મીનગરના નાલા ખાતે કરોડો રૂપિયાના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવા આવ્યો છે. આ અન્ડરબ્રિજને મુખ્યમંત્રી દ્વારા જનરલ બિપીન રાવત નામકરણ કરવામાં આવ્યું છે. વાહન ચાલકો માટે આ બ્રિજ ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થઇ રહ્યો છે. દરમિયાન આજે બપોરના સમયે અચાનક બ્રિજની ઉપર મુકવામાં આવેલું જનરલ બિપીન રાવત અન્ડરબ્રિજનું નામનું હોર્ડિંગ્સ ધડાકાભેર તૂટી પડ્યું હતું. એક સાઇટનું બોર્ડ તૂટી પડવાના કારણે રસ્તો થોડીવાર માટે બંધ થઇ ગયો હતો. જો કે, સદ્નશીબે આ વેળાએ એકપણ વાહન ચાલક ત્યાંથી પસાર થતો ન હોવાના કારણે મોટી દુર્ધટના સહેજ અટકી ગઇ હતી.
બ્રિજ પરનું હોર્ડિંગ્સ બોર્ડ ધરાશાયી ઘટનામાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. વ્યવસ્થિત સ્ટ્રક્ચર ઉભા કર્યા વિના આડેધડ હોર્ડિંગ્સ બોર્ડ લગાવી દેવામાં આવતા આ ઘટના બની હતી. આજે મહાપાલિકામાં રજા હોવાના કારણે બોર્ડ ધરાશાયી થઇ ગયા બાદ કલાકો વિતવા છતાં કોર્પોરેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો ન હતો. જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલ કોર્પોરેશનની પ્રિ-મોનસૂનની કામગીરી ચાલી રહી છે ત્યારે તેમાં કેવી વેઠ વાળવામાં આવે છે તેનો આ સૌથી જીવતો જાગતો નમૂનો છે. હોર્ડિંગ્સ બોર્ડ મામલે કોર્પોરેશને તમામ એજન્સીઓને નોટિસ ફટકારી છે અને સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ કરવા તાકીદ કરી હતી તો બીજી તરફ ખૂદ તંત્રના જ હોર્ડિંગ્સ બોર્ડ મોતના માચડો બનીને ઉભા હોય તેવું લાગી રહ્યું છે. ગત સપ્તાહે શહેરમાં સામાન્ય ઝાંપટુ ત્યારે પણ શહેરમાં ત્રણ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા.