મંજુરી વીનાના સાઈન બોર્ડ-હોર્ડીંગ પર તવાઈ: દંડ ફટકારાશે

જુનાગઢ મહાનગરમાં કોઈ એજન્સી, આસામી, પેઢી, સંસ્થા, કંપની, ક્લાસીસ કે કોઈપણ દ્વારા પ્રચાર અને પ્રસારના કોઈપણ માધ્યમથી ગેર કાયદેસર રીતે જાહેરાતો પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે, જેને લઇને શહેરની શોભા તથા એકરૂપતા જળવાતી નથી. ત્યારે આવા ગેરકાયદેસર રીતે પ્રચાર અને પ્રસાર કરતા લોકો સામે મનપાએ આંખ લાલ કરી છે, અને આવા કસુરવારના બોર્ડ, સ્ટીકર, પોસ્ટર, હોર્ડીંગ્સ મ.ન.પા દ્વારા દૂર કરવામાં આવશે અને તેના તમામ ખર્ચની રકમ પણ વસૂલ કરવામાં આવશે તે ઉપરાંત આવા આસામીઓ સામે ભાડા ઉપરાંત દંડની રકમ વસુલાશે તેવો સ્થાયી સિમિત દ્વારા ઠરાવ કરવામાં આવેલ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

મનપાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી, ત્યારે ઠરાવ નં 26 થી મહાનગર વિસ્તારમાં સરકારી તથા અર્ધ સરકારી મિલ્કતો ઉપર મંજૂરી વગર  સ્ટીકર, પોસ્ટર, ધજા- પતાકા, પુઠા, બોર્ડ, સોડિયમ પોલ કે લગાડવામાં આવેલ હોય તો પ્રથમ વખત ભાડા ઉપરાંત રકમ રૂ. 200 નો દંડ તથા બીજી વખત ભાડા ઉપરાંત રકમ રૂ. 500 નો દંડ વસૂલ કરવામાં આવશે.

આ ઉપરાંત સાઇન બોર્ડ અને હોર્ડીંગ્સ બોર્ડ તથા મ.ન.પા. માલિકી તથા સરકારી અર્ધ સરકારીની દીવાલો ઉપર લગાડવામાં આવેલ જાહેરાત પ્રથમ વખત ભાડા ઉપરાંત રકમ રૂ.5000 નો દંડ તથા બીજી વખત ભાડા ઉપરાંત રકમ રૂ. 10000 નો દંડ વસૂલ કરવામાં આવશે.

મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં કરવામાં આવેલ આ ઠરાવ બાદ આગામી દિવસોમાં મહાનગરપાલિકા જુનાગઢ વિસ્તારમાં ગેર કાયદેસર અને મંજૂરી વગર લગાડવામાં આવતા સ્ટીકર, પોસ્ટર, સાઇન બોર્ડ, કિયોસ્ક પોલ અને હોર્ડીંગ્સ બોર્ડ સામે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે તથા આવા આસામીઓ પાસેથી ભાડું ઉપરાંત દંડની વસૂલાત કરવામાં આવશે. તેમ મહાનગરપાલિકા જૂનાગઢની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.