- સેન્સેક્સમાં 1230 પોઇન્ટથી વધુનો નિફ્ટીમાં 380 પોઇન્ટથી વધુનો તોતીંગ કડાકો: બેન્ક નિફ્ટી પણ 1100 પોઇન્ટ તૂટી
ચીનમાં હાહાકાર મચાવી રહેલા એચએમપીવી વાયરસના એક જ દિવસમાં ભારતમાં ત્રણ કેસ નોંધાતા દેશભરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ નવા વાયરસથી શેરબજાર પણ ફાટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી ઉંધામાથે પટકાયા હતા. બેન્ક નિફ્ટીમાં પણ 1100થી વધુ પોઇન્ટનું ગાબડું જોવા મળ્યું હતું. જ્યારે નિફ્ટી મિડકેપ-100માં પણ કડાકો બોલી ગયો હતો.
ચીનમાં નવા વાયરસ એચએમપીવીનો કહેર જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ બેંગ્લોરમાં બે કેસ અને ગુજરાતમાં એક કેસ એક જ દિવસમાં જોવા મળ્યો છે. જેના કારણે શેરબજાર પર તેની નેગેટીવ અસર જોવા મળી હતી. આજે સપ્તાહના પ્રથમ દિવસે જ સેન્સેક્સ અને નિફ્ટી પટકાયા હતા. સેન્સેક્સે 78 પોઇન્ટની સપાટી તોડી હતી અને 7781.62ના લેવલ સુધી પહોંચી ગયો હતો. જ્યારે ઉપલી સપાટી 79532.67 રહેવા પામી હતી. નિફ્ટીએ પણ આજે 24000ની સપાટી તોડી હતી. નિફ્ટી આજે સરકીને 23551.90 સુધી ગઇ હતી. ઉપલું મથાળુ 24089.95 રહેવા પામ્યું હતું. બેન્ક નિફ્ટી પણ ઉંધામાથે પડકાઇ હતી. જ્યારે નિફ્ટી મિડકેપ-100માં પણ 1480 પોઇન્ટનું તોતીંગ ગાબડું પડ્યું હતું.
મંદીમાં પણ મેટ્રો પોલીસ, ગોધરેજ ક્ધઝ્યુમર, એફએસએન ઇ-કો નાયકા, જીએસ ક્ધઝ્યુમર સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે યુનિયન બેંક, એચએફસીએલ, અદાણી એન્ટરપ્રાઇઝ, એનસીસી, રિલાયન્સ, બજાજ ફાયનાન્સ, ઝોમેટો, વોડાફોન-આઇડીયા સહિતની કં5નીઓના શેરોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ લખાઇ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 1201 પોઇન્ટના ઘટાડા સાથે 78024 અને નિફ્ટી 369 પોઇન્ટના ઘટાડા સાથે 23635 પોઇન્ટ પર કામકાજ કરી રહી છે. બૂલીયન બજારમાં આજે મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો તૂટ્યો હતો.