નાણા સચિવની ખાત્રી બાદ બેંક કર્મચારીઓની બે દિવસની હડતાલ સ્થગિત હડતાલના કારણે ૪૮ હજાર કરોડ રૂા.ના બેંક વ્યવહારો ઠપ્પ થઈ જવાની ભીતિ ટળી
સાર્વજનિક ક્ષેત્રની બેંકોનાં અધિકારીઓનાં યુનિયને આ સપ્તાહની બે દિવસીય હડતાલ ને ટાળી દીધી છે. નાણા સચિવ રાજીવ કુમાર તરફથી તેમની ચિંતાઓ પર ચિંતા કરી આશ્ર્વાસન બાદ યુનિયનોએ હડતાલ રદ કરવાનો નિર્ણય કર્યો છે. બેંક અધિકારીઓના ચાર યુનિયનોને સાર્વજનીક ક્ષેત્રની ૧૦ બેંકોનું એકીકરણ કરી ચાર બેંક બનાવવાની જાહેરાતની સામે ૨૬ સપ્ટે.થી બે દિવસની હડતાલ પર જવાની જાહેરાત કરી હતી.
મહત્વનું છે કે એક સંયુકત મીટીંગમાં નાણા સચિવ રાજીવ કુમારે હકારાત્મક વલણ દાખવતા હડતાલને પાછી ખેંચી લેવાઈ છે. બેંકોની હડતાલને કારણે સપ્ટે. મહિનાના ચાર દિવસ પ્રભાવિત થતા હતા હડતાલ ટળી જવાથી બેંક ગ્રાહકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.
ઓલ ઈન્ડીયા બેંક ઓફીસર્સ કનફેડરેશન ઓલ ઈન્ડીયા બેંક ઓફીસર્સ એસોસીએશન ઈન્ડીયન નેશનલ બેંક ઓફીસર્સ કોંગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક ઓફીસર્સ સંયુકત રૂપે હડતાલની નોટીસ આપી હતી આ ઉપરાંત બેંક યુનિયનોની પાંચ દિવસ કામકાજની અને રોકડ લેવડ દેવડના કલાકો તેમજ વિનિયમિત કાર્યમાં કલાકોમાં ઘટાડો કરવાની માંગ હતી.
ઉલ્લેખનીય છે કે આ ૩૦ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ સરકાર દ્વારા કેટલીક બેંકોને મર્જ કરવામાં આવી છે જેમાં યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડીયા અને ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સને પંજાબ નેશનલ બેંકમાં મર્જ કરી બીજા મોટા સેકટરની બેંક તરીકે પ્રસ્થાપિત કરાઈ જયારે સીન્ડીકેટ બેંકને કેનેરાબેંક, અલાહાબાદ બેંકને ઈન્ડીયન બેંકમાં જયારે આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકને યુનિયન બેંક ઓફ ઈન્ડીયામાં મર્જ કરાઈતાજેતરમાં જ બેંક ઓફ બરોડા વિજયા બેંક અને દેના બેંકને મર્જ કરવામાં આવી છે. જયારે એસબીઆઈએ પણ તેની પાંચ એસોસીયેટ બેંક સ્ટેટ બેંક ઓફ પટીયાલા, સ્ટેટ બેંક ઓફ બીકાનેર અને જયપૂર, સ્ટેટ બેંક ઓફ મૈસુર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ અને ભારતીય મહિલાને પણ એપ્રીલ ૨૦૧૭માં મર્જ કરાઈ હતી.