છેલ્લા દોઢ વર્ષથી લોકસભાની ટિકિટ માટે મીટ માંડીને બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખને મળી નિરાશા: અપક્ષમાંથી ફોર્મ ભરે તેવી શકયતા
રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કગથરાનું નામ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે જેના પગલે છેલ્લા દોઢ વર્ષથી લોકસભાની ટિકિટ માટે મીટ માંડીને બેઠેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રિસાણા હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત તેઓ પ્રમુખપદેથી રાજીનામું આપીને અપક્ષમાંથી ફોર્મ ભરવાના હોવાનું પણ સુત્રોએ જણાવ્યું છે.
રાજકોટ લોકસભા બેઠક માટે છેલ્લા ઘણા દિવસોથી ટંકારા-પડધરી વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કગથરા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાનું નામ ચર્ચાઈ રહ્યું હતું. બંને દાવેદારો ટિકિટની આશાએ હતા જોકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા છેલ્લા એક-દોઢ વર્ષથી લોકસભાની ટિકિટ તરફ મીટ માંડીને બેઠા હતા ત્યારે ગઈકાલે સાંજે કોંગ્રેસ દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે લલિત કગથરાનું નામ સતાવાર રીતે જાહેર કરવામાં આવતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા રિસાણા હોવાનું જાણવા મળ્યું છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા કોંગ્રેસના આ નિર્ણયથી નારાજ થયા છે. તેઓએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હોવાની વાતો પણ ચાલી રહી છે. આ ઉપરાંત તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચુંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે, લલિતભાઈ કગથરાની ટિકિટ ફાઈનલ થતા હિતેશ વોરા નારાજ થયા હોવાની જાણ થતા કોંગ્રેસી આગેવાનો તેમજ સમાજના અગ્રણીઓએ તેમને મનાવવાના પ્રયાસો પણ ચાલુ કરી દીધા છે. ગતરાત્રે લેઉવા પટેલ સમાજના એક અગ્રણી સાથે હિતેશ વોરાની મોડીરાત સુધી મીટીંગ પણ ચાલી હતી જેમાં સમાજના અગ્રણીએ તેઓને મનાવવાના ઘણા પ્રયત્નો પણ કર્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.