- સૌરાષ્ટ્ર જીનર્સ એસોસિએશનની 10મી વાર્ષિક સાધારણ સભા મળી: ગુજરાતભરમાંથી જીનર્સ અને સ્પ્રિનર્સ ઉપસ્થિત રહ્યા
- સાધારણ સભામાં જીનીંગ ઉદ્યોગના પ્રશ્ર્નો વિશે વિચાર-વિમર્શ અને તેના નિવારણ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા તેમજ જીનર્સ ઉદ્યોગને લગતા અન્ય તમામ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે અનેકવિધ મુદ્દા પર વિચાર-વિનિમય કરી મહાનુભાવો માર્ગદર્શન આપ્યું
ભારત વિશ્ર્વમાં કપાસનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તેમાં પણ ખાસ સૌરાષ્ટ્ર કપાસના ઉત્પાદનમાં વધુ પડતું આગળ છે.
કપાસનું સૌરાષ્ટ્રમાં દર વર્ષે લાખો હેક્ટરમાં ઉત્પાદન થાય છે ત્યારે રવિવારે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમમાં સવારે 8:00 થી 1:30 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર જીનર્સ એસોસિએશનની 10મી વાર્ષિક સાધારણ સભા મળી હતી.સૌરાષ્ટ્રના તમામ જીનર્સ ભાઇઓની પરસ્પર આત્મીયતા વધે તેવા શુભ ઉદેશથી આ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાતભરમાંથી જિનર્સ અને સ્પિનરો ભેગા થયા હતા. સાધારણ સભામાં જીનીંગ ઉદ્યોગના પ્રશ્ર્નો વિશે વિચાર-વિમર્શ અને તેના નિવારણ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા તેમજ જીનર્સ ઉદ્યોગને લગતા અન્ય તમામ ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે અનેકવિધ મુદ્દા પર વિચાર-વિનિમય કરી મહાનુભાવો માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ભારતના તેમજ વૈશ્ર્વિક રૂ ના ઉત્પાદન અને વપરાશ અંગેની માહિતી, રૂ ના ભાવની વધઘટને અસર કરતા આંતરરાષ્ટ્રીય બજારના પ્રવાહોને સરળતા પૂર્વક રજૂ કરતું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યુ હતું. સાધારણ સભામાં ઉદ્બોધન કરશે સીસીઆઇની રૂ બજારમાં ભૂમિકા વિશે શુભમ શુક્લા, યાર્નની સમિક્ષા વિશે જયેશભાઇ પટેલ, જીનર્સે કેવી તકેદારી રાખવી તે માટે અજયભાઇ શાહ, કપાસિયાની સમિક્ષા વિશે જયંતિભાઇ પટેલ, રૂ ના ટેસ્ટીંગ માટે દિપાલી પલાવત, સંગઠનના મહત્વ બાબતે જયેશભાઇ પનારા ઉદબોધન કર્યું હતું. આ ઉપરાંત જીનીંગ ઉદ્યોગના પ્રશ્ર્નો તેમજ નિરાકરણ બાબતે અને બજારનો અંદાજ તેજી કે મંદી વિષયક પેનલ ડીસ્કશન પણ કરવામાં આવ્યુ હતું.
કપાસના ટેકાનો ભાવ વધતા જિનિંગ મીલોને રૂ મોંઘુ પડે છે: પ્રમુખ અરવિંદભાઈ પાલ
સૌરાષ્ટ્ર જિનર્સ એસો.ના પ્રમુખ અરવિંદભાઇ પાલે જણાવ્યું હતું કે, કપાસના પાકમાં નીચી ઉત્પાદકતા ખૂબ જ ગંભીર મુદ્દો છે. નીચી ઉત્પાદકતાને લીધે ઉત્પાદન ઘટે છે. પરિણામે ખેડૂતોને ધારી ઉપજ અને ભાવ મળવાનો પ્રશ્ન સર્જાય છે.કપાસનો ટેકાનો ભાવ સરકાર વધારી રહી છે તેના પરિણામે જિનીંગ મિલોને કપાસ અને યાર્ન મિલોને રૂ મોંઘું પડે છે. વિશ્વ બજારમાં હરિફાઇ કરવામાં ભારત પાછળ રહી જાય છે. પરિણામે આખી કોટન વેલ્યૂ ચેઇનને મુશ્કેલી પડી રહી છે.કપાસ ટેકાના ભાવની નીચે ઉતરી જાય ત્યારે સીસીઆઇ મોટાંપાયે ખરીદી કરે છે. પરિણામે ખેડૂતને ટેકો મળી જાય છે પણ પછી સમગ્ર સાંકળ સીસીઆઇ ઉપર આધારિત થઇ જાય છે. આ સ્થિતિનો ઉકેલ નવા બિયારણની શોધ છે.
કપાસનું ઉત્પાદન વધશે તો ખેડૂતો, જિનર્સ અને સ્પિનર્સ તમામને ફાયદો થશે: જયેશભાઇ પટેલ
ગુજરાત સ્પીનીંગ એસોસીએશનના ઉપપ્રમુખ જયેશ પટેલે યાર્ન ઉદ્યોગના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી અને જણાવ્યુ હતું કે, કપાસની ગુણવત્તા ઉત્તમ છે. એમાંથી સારાંમાં સારું યાર્ન બને છે. જોકે ઉત્પાદકતા વધે તો ખૂબ ફાયદો મળી શકે એમ છે કારણકે આપણું રૂ અને યાર્ન વિશ્વભરમાં મોંઘા છે. હેક્ટરદીઠ ઉપજ વધે તો કિસાનોને ભાવ ઓછાં મળવાનો પ્રશ્ન નહીં રહે અને ઉદ્યોગને પુરવઠાનો પ્રશ્ન નહીં રહે. કપાસ મોંઘો જ રહે તે જિન અને યાર્ન બન્ને ઉદ્યોગનું ભાવિ અંધકારમય બની જશે.
વિદેશમાં બીટી-છ બિયારણ જયારે આપણે બીટી-બે સુધી જ પહોંચી શક્યા છીએ
બોલગાર્ડ ચાર અને છ જેવી ટેકનોલોજીના બિયારણ વિકસિત દેશોમાં આવી ગયા છે અને આપણે ત્યાં હજુ જૂનું બિયારણ ચાલે છે. જે આઉટઓફ ડેટ છે. હવે નવું બિયારણ આવે અને ઉત્પાદકતા 450 કિલો પ્રતિ હેક્ટરથી વધે તો જ ઉદ્યોગ બચી શકે તેમ છે.કપાસના ઉત્પાદન અંગે યોજાયેલી સમુહ ચર્ચામાં નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે, કપાસ લાંબાગાળાનો પાક છે. મોસમની અસરો પણ પડશે અને શિયાળુ પાક લેવા માટે પાણીની સગવડ પણ છે ત્યારે ઉત્પાદનના અત્યારના 90 લાખ ગાંસડીના અંદાજોમાં આગળ જતા ફેરફારો આવી શકે છે.
નવી સીઝનમાં કપાસ ટોચનો ભાવ બનાવે એવી સાધારણ સભામાં સંભાવના વ્યકત કરાઈ
બેઠકમાં કપાસ, રૂ તથા કપાસિયાના ભાવની ચર્ચા પણ થઇ હતી. નિષ્ણાતોએ એમ કહ્યું હતુ કે, કપાસ અને રૂના ભાવ નીચાં ખૂલ્યાં છે અને અત્યારે બોટમ જેવા છે એટલે એમાં મોટો ઘટાડો શક્ય નથી. છતાં ડિસેમ્બર સુધી આવકનું જોર વધારે રહેશે એટલે થોડાં દબાઇને સ્થિર રહેશે. જોકે એ પછીની તેજી-મંદી વૈશ્વિક સંજોગો અને માગ નક્કી કરશે. કપાસિયાના ભાવ ઐતિહાસિક ઉંચા સ્તરે છે એ આવકના પ્રવાહ સાથે નીચે આવશે. જોકે નવી સીઝનમાં ફરીથી ટોચનો ભાવ બનાવે એવી પણ સંભાવના વ્યક્ત થઇ હતી.
કપાસ પર લાગતો ટેક્સ દૂર કરવા કેન્દ્રમાં રજૂઆત કરાશે
દેશભરના સ્પીનીંગ એસોસીએશન દ્વારા કપાસ પર લાગતી 11 ટકા ટેક્સ તેમજ રિવર્સ ચાર્જ દૂર કરવા માટે કેન્દ્રમાં રજૂઆત થશે તે બાબતે ચર્ચા થઇ હતી અને ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે સતત ટેકાના ભાવમા વધારો કર્યા કરવાને બદલે ઉત્પાદકતા વધે તેના પર ધ્યાન આપવું જોઇએ તે મુદ્દે ગંભીર વિચારણા કરવામાં આવી હતી.
યાર્ડ દ્વારા સેમિનાર ગોઠવી ખેડૂતોને જાગૃત કરવા જોઈએ
રાજ્યમાં ઓછા ખર્ચે કપાસનું ઉત્પાદન વધે તે માટે માર્કેટીંગ યાર્ડ દ્વારા જો ખેડૂતોને લઇ સેમિનાર કરવામાં આવે તો, હજુ કપાસ ક્ષેત્રે વધુ પ્રગતિ થઇ શકે છે. બાંગ્લાદેશમાં નાનો દેશ હોવા છતાં ટેક્ટાઈલ ક્ષેત્રે ખુબ જ આગળ છે. કેમ કે ત્યાં પાવર પ્રોડકશન, લેબર કોસ્ટ લો છે. આ મામલે આપણે ત્યાં ખેડૂતલક્ષી સેમિનારનું આયોજન થાય તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થઇ શકે.