શેરડી ભરેલા ટ્રક સાથે ડમ્પર અથડાયા બાદ ચાલકે સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા સર્જાયો ગમખ્વાર અકસ્માત

રાજસ્થાનના બાસવાડાના કુશલગઢના પરિવારના એક સાથે ૧૫ વ્યક્તિના મોતથી કરૂણ કલ્પાંત

દારૂનો નશો કરેલા ટ્રક ચાલક અને ક્લિનરની પોલીસે કરી ધરપકડ

ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે ઉક્તિ કરૂણ રીતે સુરત નજીકના કીમ પાસે સાથક બની છે. કીમ-માંડવી રોડ પર કાળ બની ઘસી આવેલા ટ્રકે એક સાથે ૧૫ શ્રમજીવીઓને ચગદી નાખતા તમામના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. રાજસ્થાનથી પેટીયુ રળવા આવેલા ચાર થી પાંચ જેટલા શ્રમિક પરિવાર કીમ ચાર રસ્તા પાસે સુતા હતા ત્યારે ભર ઉંઘમાં જ ૧૫ વ્યક્તિઓ કાળમુખા ડમ્પર નીચે કચડાતા કરૂણાંતિકા સર્જાય છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરતના કીમ- માંડવી રોડ પર પાલોદ ગામ નજીક ફુટપાથ પર છેલ્લા પાંચેક વર્ષથી વસવાટ કરતા રાજસ્થાનના બાસવાડા જિલ્લાના કુશલગઢ ગામના પાંચ થી છ જેટલા શ્રમજીવી પરિવારની ૨૦ જેટલી વ્યક્તિ ગતરાતે સુતા ત્યારે પુર ઝડપે ઘસી આવેલા ડમ્પરના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક સાથે ૧૫ વ્યક્તિના મોતથી તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

માડવી તરફ જઇ રહેલા ડમ્પરના ચાલકે આગળ ઉભેલા શેરડી ભરેલા ટ્રક સાથે અથડાયા બાદ ડમ્પર ફુટપાથ પર ચડી ગયુ હતુ અને ફુટપાથ પર સુતેલા શ્રમજીવીઓને એક સાથે કચડી નાખતા હાઇ-વે મરણચીસ થી ગાજી ઉઠયો હતો. અને હાઇ-વે રકતરંજીત બની ગયો હતો. બેકાબુ ડમ્પર એક સાથે ૨૧ જેટલા શ્રમજીવીઓને કચડી નાખતા ૧૨ના ઘટના સ્થળે અને ત્રણ વ્યક્તિના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે ચાર વ્યક્તિઓ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ડમ્પર ફુટપાથ પર સુતેલા શ્રમજીવી પરિવારને મોતની નિંદરમાં સુવડાવી એક સાથે દુકાન સાથે અથડાતા પાંચ જેટલી દુકાનમાં નુકસાન કર્યા બાદ ડમ્પર અટકયું હતું.

ગોજારા અકસ્માત બનાવની જાણ થતા સુરત ગ્રામ્યના ડીવાય.એસ.પી. સી.એમ.જાડેજા સહિત પોલીસ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતદેહોને ટ્રકમાં હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. પોલીસ જીવલેણ અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક અને ક્લિનરની ધરપકડ કરી ત્યારે ડમ્પરનો ચાલક નશો કરેલી હાલતમાં હતો.

ગમખ્વાર અકસ્માતમાં બે માસુમ બાળકોનો ચમત્કારી બચાવ થયો હતો. જેમાં બચી ગયેલા એક બાળકે અકસ્માતમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

ગમખ્વાર અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સુદામા રામજી યાદવ અને ક્લિનર પુનાલાલ શ્રીકેવત પણ ઘવાયા હતા. જ્યારે મૃતકોમાં બે દંપત્તી મોતને ભેટયા હતા જેમાં આઠ મહિલા અને એક બાળક સહિત ૧૫ વ્યક્તિના એક સાથે મોત નીપજતા અરેરાટી મચી ગઇ છે. અકસ્માતમાં પિન્કાબેન કમલેશભાઇ મહિડા, નંદુબેન સંજુભાઇ આડ, કમલેશભાઇ ભુરજીભાઇ મહિડા, મનિષ કલાભાઇ મેહુલીયા ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં ચારને ગંભીર ગણાવવામાં આવી રહ્યા છે. ગોજારા અકસ્માતના બનાવની જાણ થતા રાજકીય અને સામાજીક અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી મૃતકોને રૂ.૨-૨ લાખની સહાય

સુરતના કીમ ચાર રસ્તા પાસે સર્જાયેલા ગોજારા અકસ્માતમાં એક સાથે ૧૫ વ્યક્તિના મોત નીપજતા મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ તમામ મૃતકોને રાહત ફંડમાંથી રૂા.૨-૨ લાખની અને ઇજાગ્રસ્તને રૂા.૫૦ હજારની સહાયની જાહેરાત કરી છે. ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ થતા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાએ દુ:ખ વ્યક્ત કર્યુ છે.

રાજકોટમાં નિર્દોષનો ભોગ લેનાર તબીબ પુત્રને જામીન મળ્યા

શહેરના અમુલ સર્કલ પાસે અકસ્માતની હાર માળા સર્જી કોર્પોરેશનના કર્મચારીને બીએમડબલ્યુ કાર નીચે ચગદી નાખવાના ગુનામાં જેલ હવાલે થયેલા તબીબ પુત્ર લક્કીરાજ પટેલ જામીન મુક્ત થઇ ગયો છે. દારૂની મહેફીલ માણી લકઝરીયસ કાર પુર ઝડપે આવી રહ્યો હતો ત્યારે અમુલ સર્કલ સાથે અથડાયા બાદ બાઇક ચાલક નિર્દોષ પ્રૌઢને કચડી નાખવાની કરૂણ ઘટનામાં કાયદાકીય આટી ઘૂટીના કારણે જામીન મુક્ત થયો છે. હત્યાની કોશિષ સહિતના ગુનામાં સંડોવાયેલા તબીબ પુત્ર લક્કીરાજ પટેલને કાયદાનો પાઠ ભણાવવામાં પોલીસ ઉણી ઉતરી છે કે તેની વગ સામે પોલીસ ઢીલી કાર્યવાહીની ફરજ પડી તેવા સવાલ થઇ રહ્યા છે.

મૃતકોની યાદી

  • મનિષાબેન કેળાભાઇ મહિડા (ઉ.વ.૧૯)
  • વનિતાબેન કેળાભાઇ મહિડા (ઉ.વ.૧૭)
  • રાહુલભાઇ ભારજીભાઇ મહિડા (ઉ.વ.૧૯)
  • સંગીતાબેન દિલીપભાઇ વસુનીયા (ઉ.વ.૨૭)
  • ચંપાબેન વાલુભાઇ પણદા (ઉ.વ.૧૬)
  • નરેશ વાલુભાઇ પણદા (ઉ.વ.૨૫)
  • રજીલાબેન વિકેશભાઇ મહિડા (ઉ.વ.૨૫)
  • વિકેશ રવજીભાઇ મહિડા (ઉ.વ.૨૭)
  • શકનભાઇ રૂપચંદભાઇ વસુનીયા (ઉ.વ.૨૧)
  • મુકેશ કેળાભાઇ મહિડા (ઉ.વ.૨૫)
  • લીનાબેન મુકેશભાઇ મહિડા (ઉ.વ.૨૨)
  • મુકેશભાઇની એક વર્ષની પુત્રી
  • અનિતાબેન મનિષભાઇ મહિડા (ઉ.વ.૪૦)
  • દિલીભાઇ અકરાભાઇ વસુનીયા (ઉ.વ.૨૦)
  • શોભનાબેન રાકેશભાઇ વસુનીયા (ઉ.વ.૨૩)

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.