બેકાબૂ બનેલો કાર ચાલક સાયકલ સવારને ઠોકરે ચડાવ્યા પછી વીજ પોલ સાથે ટકરાયો: ચાલક ફરાર
જામનગરમાં હીટ એન્ડ રનનો કિસ્સો સામે આવ્યો છે. એક કાર ચાલકે બેકાબુ બન્યા પછી સૌપ્રથમ એક સાયકલ સવાર ને ઠોકરે ચડાવ્યા પછી પોતે આગળ વધીને વિજ પોલ સાથે કારને અથડાવીને પોતે ભાગી છૂટ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલા સાયકલસવાર નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ હિટ એન્ડ રનના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખંભાલિયા ગેઇટ નજીક રવિવારે સાંજે જી.જે.10 સી.એન.1386 નંબરનો એક કાર ચાલક બેકાબૂ બન્યો હતો, અને જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માંથી સાયકલ લઈને નીકળેલા નારણભાઈ જીવાભાઇ વારસાકીયા નામના 55 વર્ષના શ્રમિક પ્રૌઢને ઠોકરે ચડાવ્યા હતા. ત્યારબાદ પોતે બેકાબૂ બનીને એક વીજ પોલ સાથે ટકરાઈ ગયો હતો, જેથી કારના આગળના ભાગ નો ભૂકો બોલી ગયો હતો.
આ અકસ્માત પછી કાર ચાલક ભાગી છૂટ્યો હતો, જ્યારે સાયકલ સવાર નારણભાઈ વારસાકીયા કે જેઓને શરીરે જુદા જુદા ભાગમાં ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી અને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટુંકી સારવાર પછી તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ પછી લોકોનું ટોળું એકત્ર થયું હતું. સમગ્ર મામલાની પોલીસ ને જાણ થતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને અકસ્માત સર્જીને ભાગી છુટેલા કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.