લોકડાઉન ખુલતાની સાથે રાજ્યના ધોરી માર્ગ પર જીવલેણ અકસ્માતોની હારમાળા શરૂ થઈ ગઈ છે. જેમાં હજુ ગઈકાલે જ સાવરકુંડલા પાસે નિંદ્રાધીન આઠ વ્યક્તિ પર ક્રેઈન ફરી વળતા કમકમાટીભર્યા ભૃત્યુ નિપજયા હતા. જે બનાવની હજુ શાહી પણ સુકાઈ નથી ત્યાં આજે સવારે પોરબંદર પાસે માતા સાથે શેરી શિક્ષણ લેવા જતાં બે બાળકોને પુરઝડપે આવતી ઈનોવા કારના ચાલકે હડફેટે લેતા બન્ને પિતરાઈ ભાઈ બેનના ઘટના સ્થળે કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.
આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદર તાલુકાના દેગામ રહેતા આરતીબેન રમેશ ગોહેલ (ઉ.14) અને તેનો પિતરાઈ ભાઈ મીત નિલેશ ગોહેલ (ઉ.3)ને આજે સવારે આરતીની માતા બંન્ને બાળકોને શેરી શિક્ષણમાં મુકવા જવા નીકળ્યા હતા.
દરમિયાન ગામના પાદરમાં જ પુરઝડપે ઈનોવા કારના ચાલકે બંન્ને બાળકોને ઠોકરે ચડાવતા પિતરાઈ ભાઈ-બહેનના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયા હતા. જો કે માતાનો ચમત્કારીક બચાવ થયો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે, ઈનોવા કારની ઠોકરે ચડ્યા બાદ આરતી 15 ફૂટ દૂર ફંગોળાઈ ગઈ હતી. જ્યારે ત્રણ વર્ષના માસુમ બાળક મીત પરથી ઈનોવા કારના ટાયર ફરી વળ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનો ભેગા થઈ જતાં બંને બાળકોને લોહીથી ખરડાયેલ હાલતમાં પોરબંદર હોસ્પિટલે લઈ ગયા હતા. પરંતુ બંન્નેના સારવાર મળે તે પહેલાં જ પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા.
જેટ સ્પીડે દોડતી ઈનોવા કારના ચાલકે બે માસુમ બાળકોને ઠોકરે ચડાવ્યા બાદ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર નજીકમાં આવેલ મંદિરની દિવાલમાં ઘુસી ગઈ હતી. આ અકસ્માત બાદ ચાલક કાર ઘટના સ્થળે રેઢી મુકી નાસી ગયો હતો. આ બનાવની જાણ થતાં બગવદર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત નજરે નિહાળનાર મહિલાની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.