- જામનગર પંથકમાં હીટ એન્ડ રન નો સિલસિલો યથાવત: કાલાવડ બાયપાસ ચોકડી પાસે ના બનાવમાં વધુ એક યુવકે જીવ ખોયો
- પુરપાટ ગતીથી આવી રહેલા કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્કૂટર ચાલક યુવાનને કચડી નાખતાં અંતરિયાળ મૃત્યુ
- અકસ્માતના બનાવ સમયે લોકોના ટોળા એકઠા થયા: ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હોવાથી પોલીસે ભારે કવાયત કરવી પડી
- જામનગર પંથકમાં હીટ એન્ડ રન નો સિલસિલો યથાવત
જામનગર તા 15, જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી હિટ એન્ડ રનના બનાવો વધ્યા છે, જેમાં રવિવારે બપોરે ઉમેરો થયો છે. અને વધુ એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે કાલાવડ બાયપાસ ચોકડી પાસે એક એક્સેસ સ્કૂટરના ચાલકને ઠોકરે ચડાવી કચડી નાખતાં અંતરિયાળ મૃત્યુ નિપજ્યું છે. બનાવ બાદ લોકોના ટોળા થયા હતા, તેમજ ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ભારે કસરત કરીને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક કાલાવડ બાયપાસ ચોકડી પાસે રવિવારે બપોરે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં પુરઝડપે આવી રહેલા જી.જે. 12 બી.વાય. 2754 નંબરના કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે આગળ જઈ રહેલા જી. જે. ૧૦ સી.એ. 4890 નંબરના એક્સેસ સ્કૂટર ના ચાલકને ઠોકરે ચડાવી હડફેટમાં લઈ લીધા હતા.
જે અકસ્માતમાં સ્કૂટર ચાલક ટેન્કરના પાછલા જોટા ની નીચે આવીને ચગદાઈ ગયો હતો, અને તેનું બનાવના સ્થળે જ કમ કમાટી ભર્યું મૃત્યુ નીપજયું હતું.
મૃતક યુવાન કચડાયો હોવાથી તેનું માથું ચગદાયું હતું, અને લોહીના રેલા માર્ગ પર ફેલાયા હતા. જેને કારણે માર્ગ પર બિહામણા દ્રશ્યો સર્જાયા હતા, અને તુરત જ લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જે અકસ્માત સર્જનાર ટેન્કર ચાલક પોતાનું વાહન છોડીને ટેન્કર માંથી છલાંગ લગાવી ભાગી છૂટ્યો હતો.
આ અકસ્માતના બનાવની જાણ થતાં પંચકોષી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સૌ પ્રથમ ભારે જહમત લઈને વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો, ત્યારબાદ ટેન્કર કબજે કરી લઇ તેના ચાલક સામે ગુનો નોંધ્યો છે. અને તેની શોધ ખોળ હાથ ધરી છે. ઉપરાંત મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : સાગર સંઘાણી