પાઉભાજીની દુકાને કામ પુરૂ કરી પરપ્રાંતિય બે યુવાન ઘરે પહોચે તે પહેલાં પુર ઝડપે ઘસી આવેલી કાર કાળ બની ત્રાટકી
પીજીવીસીએલના સબ સ્ટેશન સાથે કાર અથડાતા વિજય પ્લોટ વિસ્તારમાં લાઇટ ગુલ થઇ જીવલેણ અકસ્માત સર્જક કારમાંથી ત્રણ શખ્સો ભાગી ગયા
અબતક,રાજકોટ
શહેરના ગોંડલ રોડ પર મોડીરાતે માતેલા સાંઢની જેમ પુર ઝડપે પસાર થતી કારના ચાલકે એક સાથે બે યુવાનને કચડી પીજીવીસીએલના સબ સ્ટેશન સાથે કાર થતા વિજય પ્લોટ વિસ્તારમાં લાઇટ ગુલ થઇ ગઇ હતી. પાઉભાજીની દુકાને કામ પુરૂ કરી બંને પરપ્રાતિય યુવાને ઘરે પહોચે તે પહેલાં કાળ બની ઘસી આવેલી કારે બંને યુવાનને ચગદી નાખતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. જીવલેણ અકસ્માત સર્જી કારમાં રહેલા ત્રણ શખ્સો કાર રેઢી મુકી ભાગી છુટયા છે. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ 15 પાસે રાતે ત્રણેક વાગ્યાના સુમારે જી.જે.3જેએલ. 5444 નંબરની હ્યુન્ડાઇ કારના ચાલકે મુળ ઉતર પ્રદેશના વતની અને હાલ વિજય પ્લોટમાં રહેતા સંતોષકુમાર દિનેશકુમાર રાવ નામના 18 વર્ષના યુવાન અને સુનિલકુમાર બજરંગી વર્મા નામના 19 વર્ષના યુવાનને હડફેટે લેતા બંનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજયાની ભક્તિનગર પોલીસમાં વાણીયાવાડીમાં રહેતા ગીરીશભાઇ ઠાકુરદાસ ધરમદાસાણીએ ફરિયાદ નોંધાવી છે.
મુળ ઉત્તર પ્રદેશના બીરપુર ગામના વતની અને વિજય પ્લોટ શેરી નંબર 18ના ખૂણે રહેતા સંતોષકુમાર રાઉ અને સુનિલકુમાર વર્મા ગોંડલ રોડ પર અજંતા કોમ્પ્લેક્ષમાં રાજ પાઉભાજીની હોટલમાં કામ કરે છે. તેઓ ગઇકાલે રાતે ત્રણેક વાગે હોટલનું કામ પુરૂ કરી પોતાના ઘરે જઇ રહ્યા હતા ત્યારે ગુરૂકુળ તરફથી પુર ઝડપે ઘસી આવેલી જી.જે.3જેએલ. 5444 નંબરની હ્યુન્ડાઇ કંપનીની કારે બંનેને એક સાથે હડફેટે લેતાં બંને ગંભીર રીતે ઘવાતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. ત્યાંથી પંદર ફુટ દુર કાર પીજીવીસીએલના સબ સ્ટેશન સાથે અથડાતાની સાથે જ વિજય પ્લોટ વિસ્તારની લાઇટ બંધ થઇ ગઇ હતી.
રાજ પાઉભાજીના માલિક ગીરીશભાઇ ધરમદાસાણી પ્રથમ પીજીવીસીએલ કંપનીના સબ સ્ટેશન સાથે અથડાયેલી કારમાં રહેલા ત્રણ શખ્સોને બચાવી રહ્યા હતા તે દરમિયાન કાર ચાલકે અન્ય બે યુવાનને ઠોકર મારતા તેઓ ગંભીર હોવાનું જાણવા મળતા ગીરીશભાઇ ધરમદાસાણી બંને યુવાન પાસે ગયા ત્યારે પોતાને ત્યાં કામ કરતા સંતોષકુમાર રાવ અને સુનિલકુમાર વર્મા ઘટના સ્થળે લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યા હતા. બંનેને સારવાર માટે 108ની મદદ લીધી હતી તે દરમિયાન બંનેએ દમ તોડી દીધો હતો.
ગીરીશભાઇ ધરમદાસાણીની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસ મથકના પી.આઇ.એલ.એલ.ચાવડા અને પીએસઆઇ સી.પી.રાઠોડે જીવલેણ અકસ્માત સર્જી ભાગી છુટેલા કાર ચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે. કારમાં રહેલા ત્રણેય શખ્સોએ દારૂની પાર્ટીમાં નશો કરી કાર ચલાવી ગોજારો અકસ્માત સજર્યો હોવાની શંકા સાથે પોલીસ દ્વારા તપાસ થઇ રહી છે.