- ખોખળદળ ગામે લગ્નમાં જઈને પરત ફરતા બ્રહ્માણી હોલ પાસે કાળનો ભેંટો : સાથે રહેલા અન્ય એક પ્રૌઢ સારવાર હેઠળ
રાજકોટ શહેરના કોઠારીયા રોડ વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં આઈસરની ઠોકરે એક 50 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે જયારે સાથે રહેલા અન્ય એક પ્રૌઢ હાલ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે, ગત રાત્રીના ખોખળદળ ગામે લગ્નમાં જઈને પરત ફરતી વેળાએ અકસ્માત નડ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર રાજુભાઈ ભીખુભાઇ શીશાંગિયા(ઉ.વ. 50) રહે. ખોડિયાર સોસાયટી શેરી નંબર 4, સહકાર મેઈન રોડ અને તેમના કૌટુંબિક ભાઈ ધનસુખભાઈ કિશોરભાઈ ગોંડલીયા(ઉ.વ.54) બંને રાત્રીના દસેક વાગ્યા આસપાસ ખોખળદળ ગામથી લગ્નમાં જઈને એક્ટિવા લઇ પરત ફરી રહ્યા હતા. દરમિયાન કોઠારીયા રોડ પર હુડકો ચોકડી નજીક આવેલ બ્રહ્માણી હોલ પાસે અજાણ્યા આઈસરચાલકે ઠોકરે લેતા બંને વૃદ્ધોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો એકત્રિત થઇ ગયાં હતા.
બંનેને સારવાર અર્થે તાતકાલિક 108 મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન રાજુભાઈ શીશાંગિયાનું વહેલી સવારે મોત નીપજતા પરીવારના ગમગીની ફેલાઈ છે. મૃતક રાજુભાઈ કારખાનામાં મજૂરી કામ કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર હેર સલૂનનો વ્યવસાય ધરાવે છે. હાલ ધનસુખભાઈ કિશોરભાઈ ગોંડલીયા સારવાર હેઠળ છે. મામલામાં આજીડેમ પોલીસે ગુન્હો નોંધી અજાણ્યા આઈસર ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.