- અકસ્માત સર્જનાર વર્ના કારના ખીરસરા ગામના મૂળ માલિકની ઓળખ કરી લેવાઈ
રાજકોટની ભાગોળે આવેલા મેટોડામાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બિહારના શ્રમિક પરિવારની મહિલા અને તેના બે વર્ષીય માસુમ પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શ્રમિક પરિવારના ત્રણ સભ્યોને ઠોકરે લેનાર વર્ના કારનો ચાલક કાર ઘટનાસ્થળે છોડી નાસી ગયો હતો. ત્યારે મેટોડા પોલીસે વર્ના કારના ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર ઘટના અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર મેટોડા જીઆઈડીસી પાસે મણીદ્રીપ મંદિર સામે 21 વર્ષીય મહિલા શિલુદેવી ચંદન શાહ તેના પુત્ર અંકુશ શાહ(ઉ.વ.2) અને મહિલાનો ભાઈ રાજકુમાર પાસવાન(ઉ.વ. આશરે 12)રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે સામેથી પૂર ઝડપે જીજે-03-કેએચ-0046 નંબરની કાળા રંગની વર્ના કાર ધસી આવી હતી. વર્ના કારના ચાલકે ત્રણેયને અડફેટે લેતા શ્રમિક પરિવારના સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા.
અકસ્માત સર્જાતા વર્ના કારનો ચાલક કાર છોડી ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. એકત્રિત થયેલા ટોળાએ તાતકાલિક 108ને જાણ કરતા એમ્બયુલન્સ દોડી આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તોને લઇ રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે આવી હતી. તબીબો સારવાર શરૂ કરે તે પહેલા જ બે વર્ષના માસુમ બાળક અંકુશ શાહનું મોત નીપજ્યું હતું. જે બાદ શીલુદેવી અને રાજકુમારની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ મહિલાનું પણ મોત નીપજતા કરુણાંતિકા સર્જાઈ હતી. હાલ રાજકુમાર પાસવાન સારવાર હેઠળ છે.
ભોગ બનનાર શ્રમિક પરિવાર મૂળ બિહારનો વતની છે અને મેટોડા જીઆઇડીસી શ્રીનાથજી પાર્કમાં રહતો હતો. ઘટના બાદ ભોગ બનનારોની ઓળખ કરવા તજવીજ હાથ ધરાતા મહિલા પાસે બિહારનુ સરીતાદેવી નામનું આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે મહિલા અને મૃત બાળકના વાલી વારસની પોલીસે સોધખોળ હાથ ધરતા આધારકાર્ડ શિલુદેવીના સાસુનું હોવાનું અને મૃતક મહિલા પોતાના બાળકને પોલિયાના ટીપા પીવડાવવા તેંજ આધારકાર્ડની ઝેરોક્ષ કરાવવા અને શાકભાજી લેવા માત્ર નીકળી હતી. સાસુના આધારકાર્ડની ઝેરોક્ષ કરાવી અ. એ તેમજ શાકભાજી લઇને પરત ફરી રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો.
વર્ના કાર માલિક પોતે ચલાવતો’તો કે ડ્રાયવર? : સીસીટીવીના આધારે તપાસ શરૂ
અકસ્માત જીજે-03-કેએચ-0046 નંબરની વર્ના કારના ચાલકે સર્જયો હતો. અકસ્માત સર્જી ચાલક કાર છોડીને નાસી ગયો હતો. ત્યારે વર્ના કાર કબ્જે કરીને મેટોડા પોલીસે ખીરસરા ગામના કાર માલિકની ઓળખ મેળવી લીધી છે. હવે આ કાર માલિક પોતે ચલાવી રહ્યો હતો કે પછી ડ્રાયવર કે પછી અન્ય કોઈ વ્યક્તિ ચલાવી રહ્યો હતો તે અંગેની ભાળ મેળવવા પોલીસે સીસીટીવીની ચકાસણી શરૂ કરી છે. સૂત્રોમાથી મળતી માહિતી મુજબ વર્ના કાર હેમંત ઘોડાસરા નામની વ્યક્તિના નામે રજીસ્ટર્ડ છે અને આ વ્યક્તિ પોતે વર્ના કારનો સેક્ધડ ઓનર હોવાનું જાણવા મળ્યું છે.