અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે સર્જાયેલા જીવલેણ અકસ્માતના ઘટના સ્થળે એકઠા થઇ ગુનાહીત બેદરકારી દાખવતા જીવ ગુમાવ્યાં
190ની ઓવર સ્પીડે કાળ બની ધસી આવેલી જગુઆર કારે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડ સહિત આઠના ઘટના સ્થળે, એકનું સારવાર દરમિયાન મોત
કારની ઠોકરે ચડેલા યુવકો ફુટબોલની જેમ 30 ફુટ હવામાં ઉછળી પટકાતા હિન્દી ફિલ્મના સ્ટંટ જેવા દ્રશ્ય સર્જાયા
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર સર્જાયેલા અકસ્માતની કુતુહલ જોવા એકઠા થયેલા ટોળા પર કાર ધસી આવતા એક સાથે 9 વ્યકિતએ જીવ ગુમાવ્યા છે. જીવલેણ અકસ્માતમાં એકઠા થયેલા ટોળા ઘટના સ્થળે હાજર પોલીસ અને કારચાલક તમામની ગુનાહિત બેદરકારી સામે આવી છે. અકસ્માત સ્થળે પોલીસે રોડ બ્લોક કેમ ન કર્યો, નેશનલ હાઈવે પર ટોળા સ્વરૂપે ઉભું રહેવું કેટલું જોખમ ભરેલું ? અને કંટ્રોલ ન થઈ શકે એટલી સ્પીડ સાથે કરાર ચલાવવી પણ બેદરકારી છે. તમામની ગુનાહિત બેદરકારીએ 9 વ્યકિતએ જીવ ગુમાવ્યા છે.
ડમ્પર અને થાર કાર વચ્ચે સર્જાયેલા અકસ્માત જોવા માટે ઉભેલા ટોળા પર 190ની સ્પીડે કાળ બની આવેલી જગુઆર ઘસી આવતા ટ્રાફિક પોલીસમેન સહિત નવે જીવ ગુમાવ્યા છે. ગુનાહીત બેદરકારી સાથે અકસ્માત જોવા ઉભેલા ટોળા પૈકીના સાત અકસ્માતનો ભોગ બનતા કરુણાંતિકા સર્જાય છે. ટોળા સાથે પુર ઝડપે અથડાયેલી કારના કારણે ટોળા પૈકી કેટલાક યુવાનો 30 ફુટ જેટલા હવામાં ઉછળી પટકાતા ફિલ્મી દ્રશ્ય સર્જાયા હતા. ગોજારો અકસ્માત સર્જનાર કાર ચાલક તથ્ય પટેલને ટોળાએ ઝડપી ઢીબી નાખતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. કારમાં તથ્ય પટેલ સાથે રહેલી એક યુવતી અને અન્ય કે યુવક લાપતા થઇ ગયા છે. ગમખ્વાર અકસ્માતના બનાવની જાણ થતા અમાદવાદ ટ્રાફિક ડીસીપી નિતા દેસાઇ સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
વિગતો મુજબ શહેરના ઇસ્કોન બ્રિજ પરથી પસાર થતાં ડમ્પરની પાછળ મહિન્દ્રા થાર કાર ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેને જોવા માટે લોકોનાં ટોળાં ભેગાં થયાં હતાં. મોડી રાતે બનેલા આ અકસ્માતના કારણે બ્રિજ ઉપર ચોંકાવનારો બનાવ બન્યો હતો. પરંતુ તેનાથી ગંભીર ઘટના ત્યારબાદ બની હતી જ્યારે લોકો અકસ્માત જોઈ રહ્યા હતા. તેની થોડી જ ક્ષણોમાં કર્ણાવતી ક્લબથી ઇસ્કોન બ્રિજ તરફ તથ્ય પટેલ નામનો યુવક મિત્ર અને એક યુવતી સાથે જેગુઆર કારમાં ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો. આ કાર અંદાજે 190 કિલોમીટરની સ્પીડે દોડી રહી હતી. બ્રિજ પર થારનો અકસ્માત થયો એ જગ્યાએ તથ્યએ કાંઈ વિચાર કર્યા વિના લોકોના ટોળા પર કાર ચડાવી દીધી હતી. આથી મરણચીસો સાથે અંદાજે 25 એક જેટલા લોકો ફંગોળાયા હતા. કારે આ લોકોને એટલા સ્પીડથી અડફેટે લીધા હતા કે બધા 30 ફૂટ સુધી ફંગોળાયા હતા. 30 ફૂટ સુધી ઈજાગ્રસ્તો પાસે રહેલો સામાન, તેમના શરીરમાંથી નીકળતા લોહીના નિશાન જોવા મળ્યા હતા.
આ બનાવમાં એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડ સહિત કુલ નવ વ્યક્તિના બ્રિજ પર જ મોત નીપજ્યા હતા. હજી ઘણા લોકોને આશા હતી કે, કોઈક બચી જાય. આથી એમ્બ્યુલન્સ મારફત 20થી વધુ લોકોને અલગ અલગ જગ્યાએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે લાશ લેવા માટે વ્યવસ્થા દોઢ કલાક બાદ થઈ હતી. કોઈની લાશ કારના બોનેટ પર હતી, કોઈની જમીન પર, કોઈના પગ વળી ગયા હતા તો કોઈના શરીરનો નીચેનો ભાગ કચડાઇ ગયો હતો.અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ જેગુઆર કાર ચલાવનાર તથ્ય પટેલને ઝડપીને માર માર્યો હતો. આ દરમિયાન તેના પિતા આવી ગયા અને પોતાના પુત્રને લોકોના ટોળાથી માટે બંદુક તાણીને લોકોથી દૂર લઇ ગયા હતા. આ ઉપરાંત તથ્ય સાથે કારમાં અન્ય એક યુવક અને યુવતી પણ હતા. જે અકસ્માત બાદ ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.
બનાવની જાણ થતાં સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર, એસીપી જી.એસ શ્યાન, ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પીઆઇ અને સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો કાફલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. ઇસ્કોન બ્રિજ ઉપર થયેલા ગંભીર અકસ્માતમાં મૃતકનાં પરિવારજનો સોલા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યાં છે. હોસ્પિટલમાં સ્વજનોના કલ્પાંતથી હોસ્પિટલમાં ગમગીનીનો માહોલ ઊભો થયો છે.
જ્યારે ટ્રાફિક પોલીસના ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું કે, “ગઇકાલે ઇસ્કોન બ્રિજ પર થયેલો અકસ્માત ખૂબ જ દુખદ ઘટના છે. મોડી રાતે થયેલાં ગમખ્વાર અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયા છે અને 10થી 11 લોકો ઘાયલ થયા છે. અમે રાતથી જ તપાસ શરૂ કરી દીધી છે. ફરિયાદ પણ થઈ ગઈ છે અને પંચનામુ પણ કર્યું છે. અને જે લોકોના અકસ્માતમાં મોત થયા છે તેમને ન્યાય મળે તે રીતની કાર્યવાહી કરીશું.” તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.
હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોટમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. મોટાભાગના મૃતકો બોટાદ અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા. એક મૃતક યુવક ચાંદલોડિયા વિસ્તારમાં આવેલી ચુવાળનગર સોસાયટીમાં રહેતો નીરવ રામાનુજ હતો. જેના પિતાને જાણ થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં હૈયાફાટ રુદન અને આક્રંદનાં દૃશ્યો સર્જાયાં હતાં.
મૃતકોની યાદી
1) ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમાર (ઉં.વ.40, ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ)
2)નિલેશ મોહનભાઈ ખટીક (ઉ.વ.38, હોમગાર્ડ)
3) અમનભાઈ અમિરભાઈ કચ્છી (ઉં.વ.25, રહે-સુરેન્દ્રનગર)
4) નિરવભાઈ રામાનુજ (ઉં.વ.22, રહે- રામાપીરના મંદિર પાસે, ચાંદલોડિયા)
5)રોનક રાજેશભાઈ વિહલપરા (ઉ.વ.23, રહે- બોટાદ)
6) અરમાન અનીલભાઈ વઢવાણીયા (ઉં.વ. 21, રહે- સુરેન્દ્રનગર)
7) અક્ષર અનીલભાઈ પટેલ (ઉં.વ.21, રહે- બોટાદ)
8) કુણાલ નટુભાઈ કોડિયા (ઉ.વ. 23, રહે- બોટાદ)
9) ઓળખાયેલ નથી
કાર ચાલક તથ્ય પટેલનો બાપ પ્રજ્ઞેશ પટેલ ગોતામાં દુષ્કર્મનો આરોપી
પુરપાટે કાર ચલાવનાર કાર ચાલક તથ્ય પટેલની સાથે કારમાં બે યુવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ગાડીમાંથી પર્સ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી છે.પિતા પ્રગનેશ ગોતા વર્ષ 2020માં રાજકોટની યુવતી પર ગેંગરેપ કેસનો આરોપી છે.ત્યારે પ્રગનેશને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો હતો.
સી.એમ ભૂપેન્દ્ર પટેલે મૃત્તકો અને ઇજાગ્રસ્તો માટે સહાય જાહેર કરી
સી.એમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જણાવ્યું હતું.અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુ:ખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
ગોઝારા અકસ્માતના પગલે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તમામ કાર્યક્રમ રદ કરી અમદાવાદ આવ્યા
અમદાવાદના ઇક્સોન બ્રીજ પર મોડીરાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના કારણે રાજયના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમ રદ કરી તાત્કાલિક અમદાવાદ ખાતે આવ્યા હતા. અકસ્માતના બનાવ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી ગોજારી ઘટનાની વિગતો મેળવી ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા જીવલેણ અકસ્માત સર્જનાર કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવા અને મૃતકના પરિવારને મદદરુ થવા જરુરી સુચના આપી છે. આ સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી ઈજાગ્રસ્તોની મુલાકાત લેશે.