નજર હટી દુર્ઘટના ઘટી

અમદાવાદની ગોઝારી ઘટના ઘટી ગયા પછી ઓવર સ્પીડ વાહનો સામે ઝુંબેશ શરૂ થઈ, બીજી તરફ હવે જૂનાગઢની દુર્ઘટના બાદ હવે જર્જરિત ઇમારતોને તોડી પાડવાની ઝુંબેશન ભણકારા : તંત્ર પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરના સૂત્રને ક્યારે સાર્થક કરશે ?

નજર હટી દુર્ઘટના ઘટી…. અત્યારના સમયમાં તંત્ર માટે એક પછી એક મોટા પડકારો સામે આવી રહ્યા છે. જેમાં એક ચૂક મોટી દુર્ઘટના સર્જી શકે છે. તાજેતરની જ અમદાવાદની અકસ્માત દુર્ઘટના અને જૂનાગઢની ઇમારત પડવાની દુર્ઘટનાને લઈને તંત્ર એક્શન મોડમાં આવી ગયુ છે. પણ અત્યારે સિસ્ટમનો ક્રમ ઘટના ઘટ્યા બાદ એક્શનમાં આવવાનો છે. પણ હવે તંત્રએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોરના સૂત્ર ઉપર ચાલવાની જરૂર જણાય છે.

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પૂરપાટ ઝડપે કાર હંકારીને અકસ્માત સર્જવાની દુર્ઘટનામાં 9 લોકોના જીવ ગયા હતા. આરોપી તથ્ય પટેલને પૂછપરછ બાદ હાલ તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. અકસ્માત બાદથી તથ્ય પટેલના કારનામા પર એકબાદ એક ખુલાસો થઈ રહ્યો છે. ત્યારે હવે આરોપી તથ્ય પટેલે 31મી ડિસેમ્બર 2022ના રોજ પણ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આમ આ નબીરો છેલ્લા ઘણા સમયથી બેફામ કાર હંકારતો હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. હાલ રાજ્યમાં ઓવર સ્પીડ વાહનો સામે કાર્યવાહી કરવા ઝુંબેશ પણ શરૂ થઈ ગઈ છે.

બીજી તરફ જૂનાગઢના કડિયાવાડ વિસ્તારમાં આવેલું એક માળનું મકાન ધરાશાયી થયાની ઘટના સામે આવી છે. કડિયાવાડ વિસ્તારમાં શાક માર્કેટ નજીક હોવાથી કેટલાક લોકો અંદર દટાયા હતા. જેમાં કાટમાળ નીચે દટાયેલા 4 વ્યક્તિનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં  એક જ પરિવારના ત્રણ લોકો સહિત 4 લોકોના મોત થયા છે. રિક્ષામાં બેસી પરિવાર શાકભાજી લેવા ગયો હતો અને મકાન ધરાશાયી થતા જીવ ગુમાવ્યાં હતા. બીજી તરફ ઘટનાને લઈને ડે. મેયરે એવા આક્ષેપો કર્યા હતા કે આ જર્જરિત ઇમારતોને નોટિસો અપાઈ હતી. પણ પછી આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. વધુમાં સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનાને પગલે હવે સરકાર જર્જરિત ઇમારતોને તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરવા તજવીજ હાતબ ધરશે.

ઉલ્લેખનીય છે કે હાલ તંત્રની સિસ્ટમનો ક્રમ છે કે દુર્ઘટના સર્જાયા બાદ એક્શન શરૂ થાય છે. પણ હવે આ ક્રમ બદલવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. હવે પહેલા જ એક્શન લેવાની જરૂર છે.જેથી દુર્ઘટના બનતી અટકાવી શકાય.

અમદાવાદના નબીરાએ અગાઉ પણ અકસ્માત સર્જયા, ત્યારે જ કાર્યવાહી થઈ હોત તો ?

અમદાવાદ દુર્ઘટના કેસના આરોપી તથ્ય પટેલે 31 ડિસેમ્બર 2022 નાં રોજ શીલજ પાસે એસપી રિંગ રોડ પર મોડી રાત્રે થાંભલા સાથે અકસ્માત સર્જ્યો હતો. તે સમયે પણ આ જ જેગુઆર કાર હતી. આ ઉપરાંત તેને  0093 નંબરની મહિન્દ્રા થાર ચલાવતી વખતે  કારને એક રેસ્ટોરાંની દિવાલ સાથે અથડાવી હતી.ત્યાર પછી કાર રિવર્સમાં લઈને તથ્ય પટેલ ફરાર થઈ જાય છે. જો કે આ અકસ્માતમાં તેને પૈસા આપી મામલો રફેદફે કરાવી નાખ્યો હતો. જેથી રેસ્ટોરન્ટ સંચાલકે કોઈ ફરિયાદ કરી ન હતી. આ નબીરો રોજ બેફામ કાર હાંકતો ત્યારે પોલીસે સીસીટીવી કેમેરાને લઈને જો એકવખત પણ તેની સામે એક્શન લીધી હોત તો કદાચ તેને તેમાંથી શીખ મળી હોત.

શુ સીસીટીવી કેમેરા માત્ર દંડ ઉઘરાવવા માટે જ ?

ગુજરાત અત્યારે સુરક્ષામાં ડીજીટલ બન્યું છે. અત્યારે સુરક્ષા માટે ઠેક ઠેકાણે સીસીટીવી કેમરા મુકવામાં આવ્યા છે. પણ મોટાભાગે સીસીટીવી કેમેરાનો ઉપયોગ જાણે દંડ વસૂલવા માટે જ થતો હોય તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. બીજી તરફ જો અમદાવાદનો તથ્ય પટેલ જે દરરોજ બેફામ કાર હંકારતો તેની સામે સીસીટીવીના આધારે એક વખત પણ કાર્યવાહી થઈ હોત તો કદાચ તે બીજી વખત બેફામ કાર હાંકતા ખચકાયો હોત.

જૂનાગઢમાં જર્જરિત ઇમારતને  નોટિસ અપાઈ ગઈ હતી, તો રાહ શુ કામ જોવાતી હતી?

જૂનાગઢની ઇમારત પડવાની ગોઝારી દુર્ઘટના પૂર્વે મહાપાલિકાએ આ ઇમારતને નોટિસ તો આપી હતી. પણ તેના પછીની કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જૂનાગઢ મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી તમામ બાબતોમાં અંતિમ નિર્ણય તો કમિશ્નરેજ લેવાનો હોય છે. એમાંય જર્જરિત બાંધકામ, નવાં બાધકામ, ગેરકાયદેસર બાંધકામ, પેશકદમી ખાલી કરાવવી, આ બધામાં તો જૂનાગઢ મનપાએ માત્રને માત્ર કાગળ પરનીજ કાર્યવાહી કરી છે. તેવા આક્ષેપ હાલ ઉઠી રહ્યા છે. જો કદાચ મનપાએ નોટિસ બાદની કાયદેસરની કાર્યવાહી કરી હોત તો આ દુર્ઘટના ન સર્જાઈ હોત.

જામનગરની દુર્ઘટના બાદ પણ જૂનાગઢ મનપા ગંભીરતા ન દાખવી ?

તાજેતરમાં જ જામનગરની સાધના કોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનનો એમ-69 નામનો આખો બ્લોક તટી પડ્યો હતો. આ બ્લોકમાં આશરે 6 ફ્લેટ હતા. આશરે 25 વર્ષ જૂનો આ બ્લોક ધરાશાયી થતા 3 લોકોનાં મોત થયા હતા. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનાને પગલે અનેક જિલ્લામાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને જર્જરિત ઇમારતોને લઈને કડક વલણ અપનાવ્યું હતું. તેમ છતાં પણ જૂનાગઢમાં માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી થઈ હતી. જો જૂનાગઢમાં તંત્રએ જામનગરની દુર્ઘટનાથી શીખ મેળવી કડક કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ખાળી શકાત.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.