- અગાઉ હત્યાની કોશિશ, મારામારી, વ્યાજ વટાવ સહિતના 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો શખ્સ હત્યાને અંજામ આપી કચ્છ ભાગી ગયો’તો : પરત ફરતાની સાથે જ ગોંડલ ચોકડી નજીકથી ઉપાડી લેવાયો
- સાચી વિગતો ઓકાવવા ભક્તિનગર પોલીસ દોલુ સોલંકીના 10 દિવસના રિમાન્ડ માંગશે
- દોલતસિંહનું સરઘસ કાઢી બે હાથ જોડી માંફી મંગાવતી પોલીસ
શહેરના કોઠારીયા રોડ પર દેવપરા નજીક ખોડિયાર ટી સ્ટોલ પાસેના કોમ્પલેક્ષ નજીક શનિવારે રાતે ફાયનાન્સનો ધંધો કરતાં અને અગાઉ હત્યાની કોશિશ, મારામારી, વ્યાજ વટાવ સહિતના 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા હિસ્ટ્રીશીટર શખ્સ દોલતસિંહ ઉર્ફે દોલુ સોલંકીએ આનંદનગર કોલોની પાછળ ગીતાંજલી પાર્ક-2 શેરી નં. 7માં રહેતાં અને કોઠારીયા ચોકડી રામનગરમાં હાર્ડવેરના કારખાનામાં પિતા-ભાઇ સાથે કામ કરતાં હાર્મિશ હંસરાજભાઇ ગજેરા (ઉ.વ.28)ની મોટા ભાઇ રાધીક ગજેરાની નજર સામે જ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી અને કચ્છ તરફ ભાગી ફરી રાજકોટ આવી બીજા શહેરમાં ભાગે એ પહેલા ભક્તિનગર પોલીસની ટીમે ગોંડલ ચોક્સી નજીકથી પકડી લીધો છે. જે બાદ હત્યારાને ગુનાના સ્થળે લઇ જઈ ઘટનાનું રીક્ધસ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર હત્યા કરનારા ફાયનાન્સર દોલતસિંહ ઉર્ફ દોલુ સોલંકીની જે કોમ્પલેક્ષમાં ઓફિસ છે ત્યાંના પાર્કિંગમાં તેણે ડેલો બનાવ્યો છે. આ ડેલા પાસે ઘટનાના પાંચેક દિવસ પહેલા હત્યાનો ભોગ બનનાર કારખાનેદાર યુવાન હાર્મિશ, તેનો ભાઇ રાધીક અને મિત્રો ઉભા હતા ત્યારે દોલતસિંહ ઉર્ફ દોલુએ અહિ શું કામ ઉભા રહો છો કે બેસો છો? કહી ગાળો દીધી હતી. તે વખતે બોલાચાલી બાદ બધા છુટા પડી ગયા હતાં. શનિવારે રાતે રાધીક ખોડિયાર હોટલ પાસે દોલતસિહની ઓફિસના પાર્કિંગ પાસે જતાં તેણે રાધીક સાથે ગાળાગાળી ચાલુ કરી હતી. એ વખતે નાનો ભાઇ હાર્મિશ પણ આવ્યો હતો અને તેની સાથે પણ દોલતસિંહે ગાળાગાળી કરી હતી. બાદમાં તે ઓફિસમાં ગયો હતો અને છરી લાવી દોટ મુકતાં બંને ભાઇ બચવા માટે દોટ મુકી ભાગતાં દોલતસિંહે હાર્મિશને પકડી લઇ આજે તને જીવતો રહેવા દેવો નથી કહી છરીના ઘા છાતી, પડખાના ભાગે, પેટમાં આડેધડ મારી દીધા હતાં અને ભાગી ગયો હતો. રાધીક અને તેના મિત્રોએ હાર્મિશને હોસ્પિટલે ખસેડયો હતો. પરંતુ ડોક્ટરે જીવ રહ્યો નથી સિવિલમાં લઇ જવાનું કહેતાં ત્યાં લઇ જવાતાં તબિબે મૃત જાહેર કર્યો હતો.
હત્યાની આ ઘટનામાં ભક્તિનગર પોલીસે રાધીક ગજેરાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. આરોપીને શોધવા ભક્તિનગર, એલસીબી, ડીસીબીની 9 ટીમો કામે લાગી હતી. દરમિયાન ડી. સ્ટાફના હેડકોન્સ. નરેન્દ્રભાઇ અર્જુનદેવ ગઢવી અને કોન્સ. નિખીલભાઇ છગનભાઇ પીરોજીયાને મળેલી બાતમી પરથી ગોંડલ રોડ ચોકડીએથી દોલતસિંહ ઉર્ફ દોલુને દબોચી લીધો હતો. તે કચ્છ તરફ ભાગી ગયો હતો અને ગોંડલ ચોકડીએથી કોઇ વાહન પકડી ફરી ભાગવાની વેતરણમાં હતો.દોલતસિંહે પ્રાથમિક પુછતાછમાં રટણ કર્યુ હતું કે ઘટના પાંચ દિવસ પહેલા હાર્મિશ ગાળો બોલતો હોઇ તેને મેં મારી પાર્કિંગની જગ્યામાં ફોનમાં મોટે મોટેથી અપશબ્દો ન બોલવા કહેતાં બોલાચાલી થઇ હતી. શનિવારે પણ ફરી આવુ થતાં ઝઘડો થયો હતો અને મને મા સમી ગાળ દેતાં ઝઘડો વકરી ગયો હતો. જો કે તે કેટલુ સાચુ બોલે છે? એ સહિતની વિગતો ઓકાવવાની હોઇ દસ દિવસના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.
દોલુની ગુનાહિત કર્મ કુંડળી
ભક્તિનગરમાં મારામારી, દારૂ, તાલુકાં એમવીએક્ટ, ભક્તિનગરમાં જ હત્યાની કોશિષના 3 ગુના, દારૂનો વધુ એક ગુનો, મનીલેન્ડ એક્ટનો ગુનો, સુરત મહિલા પોલીસમાં દહેજધારાનો ગુનો તેમજ રાજકોટ એ-ડિવીઝનમાં દારૂનો મળી કુલ 15 ગુના તેના નામે હતાં.
મૃતકે બેફામ ગાળો ભાંડતા છરીના ઘા ઝીંકી દીધાનું દોલુ સોલંકીનું રટણ
હત્યારા દોલતસિંહ સોલંકીએ પોલીસની પૂછપરછમાં તેણે રટણ કર્યુ હતું કે પાંચેક દિવસ પહેલા મારી ઓફિસના પાર્કિંગ પાસે હાર્મિશ ફોનમાં મોટે મોટેથી ગાળો બોલતો હોઇ દૂર જવાનું કહેતાં બોલાચાલી થઇ હતી. શનિવારે પણ ફરી તેના ભાઇ સાથે બોલાચાલી બાદ હાર્મિશ આવ્યો હતો અને મને મા સમી ગાળ દેતાં ગુસ્સો આવતાં છરી ઝીંકી દીધી હતી.