એક સપ્તાહમાં વરસાદ નહી પડે તો સૌરાષ્ટ્રની હાલત કફોડી: વાવેતર નિષ્ફળ જવાની ભીતિ: રાજયમાં માત્ર ૨૩ ટકા જ વરસાદ: ચિંતાના વાદળો
જુનનાં પ્રથંમ સપ્તાહમાં વરસાદ ન આવ્યો, બીજામાં અને ત્રીજામાં પણ ન આવ્યો આખો જુન જ્યારે કોરો ગયો ત્યારે આપણા ગુજરાતીઓના જીવ તાળવે ચોંટયા હતા! ભારતમાં આ વખતે ચોમાસુ મોડું બેઠું છે. મોડે મોડેથી પણ દેશના મોટા ભાગના રાજ્યોમાં વરસાદની પધરામણી થઇ છે. જુલાઇ મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં સરેરાશ કરતા ૨૮ ટકા જેટલો વધારે વરસાદ થયો જેના કારણે ખેડૂતોને રાહત થઇ. જોકે હજુ પણ સરેરાશ કરતા ૧૪ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. આગળ જતાં મેઘરાજા આ ઘટ પુરી કરી દે એવી સૌને પ્રાર્થના કરવાની રહી. આ તો વાત થઇ દેશના એકંદર ચોમાસાની. દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં વિતેલા સપ્તાહમાં મેઘમહેર થઇ છે. પણ સૌરાષ્ટ્રનાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર તથા જામનગર જેવા જિલ્લા તથા કચ્છડાથી મેહુલિયો હજુ પણ રિસાયેલો છે. અમુક વિસ્તારો એવા છે જ્યાં શરૂઆતના વરસાદી ઝાપટાં બાદ ખેડૂતોએ વાવેતર કર્યા છે. અમુક વિસ્તારો હજું પણ એવા છે જે કોરાં પડ્યા છે.
હવે જો આગામી સપ્તાહમાં મેઘરાજા રાજી ન થાય તો શું? બેશક આવા વરસાદી સંજોગો હોય અને આ સવાલ જો બે દાયકા પહેલા પુછાયો હોત તો એક સાથે જવાબ મળ્યા હોત કે ચોમાસુ નિષ્ફળ છે અને સૌરાષ્ટ્રમાં દુકાળ છે. હવે નર્મદાના નીર આવ્યા બાદ સ્થિતીમાં એકદમ નહીં તો પણ થોડો સુધારો થયો છે. સુરેન્દ્રનગર પંથકમાં કેનાલના પાણી આવ્યા છે તેથી જેમણે વાવેતર કરી નાખ્યા છે તેમને કામચલાઉ રાહત થશે. પણ જેમના વાવેતર બાકી છે તેમને હવે ઓછા વરસાદ વાળા એરંડા, રજકો, જુવાર કે બાજરા જેવા પાક લેવાનાં રહેશે. કારણ કે શંકર કપાસ, મગફળી, શેરડી કે સોયાબીન જેવા પાકને પાણ. વધારે જોઇતું હોવાથી ખેડૂતોને વાવેતર બળી જવાની દહેશત વચ્ચે નુકસાન થઇ શકે છે.
આ ઉપરાંત છેલ્લા બે દાયકાનો ઇતિહાસ એવું કહે છે કે જ્યારે પણ ચોમાસાનો પ્રારંભ નબળો રહ્યો છે ત્યારે પાછોતરો વરસાદ સારો રહ્યો છે. આ પાછોતરા એટલે કે ભાદરવા કે આસો મહિનામાં થયેલા વરસાદથી જમીનમાં ભેજ વધારે રહે છે. જે ઘંઉ, ચણા, રાઇ, જીરું ધાણા કે પાછોતરા વાવેલા એરંડાના પાકના ઉતારા સારા આપે છે. જે ખેડુતો માટે આશાનું કિરણ ગણી શકાય. આમ તો સૌરાષ્ટ્રમાં જ્યાં નર્મદાની કેનાલ છે ત્યાં હવે ખેડૂતો ખરિફ તથા રવિ એમ બન્ને પાક લેતા હોય છે. તેથી આવકમાં રાહત રહે છે.
જો કે વિતેલી સિઝનમાં પાણીનીં ખેંચના કારણે નર્મદાની કેનાલમાં પાણી છોડવામાં સરકારે વિલંબ કર્યો તેથી ઘણા સ્થળોએ રવિ વાવેતરને નુકસાન થયું હતું. આજ રીતે મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદનું પાણી કેવડિયા અને મધ્ય ગુજરાત થઇને રાજકોટ પહોંચાડતા સમયે વિવિધ પ્રકારની માટી માથી પસાર થઇને આવતું હોવાથી તેની અસલી ફળદ્રુપતા ઘટાડી દેતું હોય છે. આવા સંજોગોમાં ખેડૂતોએ જમીનની જરૂરિયાત પ્રમાણે જ પાણીનો ઉપયોગ કરવાનો રહેશે.
જુલાઇના પ્રથમ સપ્તાહમાં ઉપરવાસમાં સારો વરસાદ થયો હોવાથી સરદાર સરોવર ડેમની હાલની સપાટી ૧૨૧ મીટરે પહોંચી હોવાથી ખેડૂતો માટે અનિવાર્ય સંજોગોમાં જરૂરી પાણીની વ્યવસ્થા છે. ગુજરાતમાં હાલમાં રાજ્યના કુલ સરેરાશ ૮૧૬ મી.મી. વરસાદની તુલનાએ ૨૩ ટકા જેટલો વરસાદ થયો છે. પણ તે દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં થયો છે સૌરાષ્ટ્રના અમુક જીલ્લા હજુ કોરાં છે. કારણકે આ વિસ્તારોમાં હજુ સિઝનનાં ૨૦ ટકા વરસાદના પણ વાંધા છે. કચ્છમાં તો માંડ છ ટકા વરસાદ થયો છે. રાજ્યમાં કુલ ૩૩ ટકા એટલેકે ૨૮.૨૪ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર પુરાં થયા છે. મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં ૧૦મી જુલાઇ બાદના વરસાદથી રાહત થતાં વાવેતરની ગતિ તેજ બની છે.
સૌરાષ્ટ્રનાં પાંચ જિલ્લાઓમાં નર્મદાની કેનાલમાંથી પિવાનું પાણી તો ભરાઈ જશે પણ જો હવે એક સપ્તાહમાં વરસાદ ન થયો તો ખેતીને આગળ જતાં નુકસાની વાની સંભાવના છે.