રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ભવન ચોક સુધીના રોડ-શોમાં વિવિધ સમાજ દ્વારા રાજકોટના પનોતા પુત્ર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અદકેરું સન્માન: જનસેલાબ ઉમટયું: ભારત માતા કી જય, વંદે માતરમના નાદ સાથે ગગન ગુંજયું
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આજે રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ચોક સુધી વિશાળ રોડ-શો યોજાયો હતો. જેમાં દેશભકિતના ગીતો, ડી.જે. વેનની સુરાવલીઓ, અવનવી કૃતિઓ અને રંગબેરંગી ફુગ્ગાઓ તેમજ ગગનભેદી નારાઓથી કેશરીયો માહોલ છવાયો હતો.આ તકે કાર્યકર્તા, શુભેચ્છકો, સમર્થકો અને વિવિધ સમાજના અગ્રણીઓમાં અમીટ ઉત્સાહ છલકાતો હતો. આ રોડ-શોમાં સાધુ-સંતો અને મહંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ ઐતિહાસિક રોડ-શોમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ રોડ-શોમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, લોકસભાના સીટના પ્રભારી નર હરી અમીન, ઈન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રઘુભાઈ ગડારા, મેયર બીનાબેન આચાર્ય, સહઈન્ચાર્જ બાવનજીભાઈ મેતલીયા સહિતના અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. બહુમાળી ચોક ખાતે રોડ-શોની પૂર્ણાહુતી થઈ હતી.
ત્યારબાદ બહુમાળી ભવન નજીક આવેલા મેદાનમાં જાહેરસભા યોજવામાં આવી હતી જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંબોધન આપ્યું હતું.આ સભા પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હારતોરા કર્યા હતા. ત્યારબાદ તેઓ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થયા હતા.