ભગવાન શ્રીકૃષ્ણના પરમભક્ત એવા મીરાબાઈને વિશ્ર્વભરમાં તેમની શ્રીકૃષ્ણ સાથેની આધ્યાત્મિક પ્રેમભાવના અને તેમના દ્વારા શ્રીકૃષ્ણ પર લખાયેલી સેંકડો કવિતાઓને લીધે યાદ કરવામાં આવે છે.
મહાન કવયિત્રી મીરાબાઈના ઓખામંડળના યાત્રાધામ દ્વારકા તેમજ બેટ દ્વારકાના સંસ્મરણો પણ સંભારણીય છે. ભાવિકોમાં મીરાબાઈની ઓળખ શ્રીકૃષ્ણના પરમ ભક્તાણી તરીકેની છે. મીરાબાઈના શ્રીકૃષ્ણ પ્રત્યેના નિષ્ઠાપૂર્વકના પ્રેમભાવની ગાથાઓ આજે પણ દ્વારકા તેમજ બેટ દ્વારકા યાત્રાધામની ગલીઓમાં ગૂંજતી જોવા મળે છે. દ્વારકામાં તીનબત્તી ચોકમાં મીરાબાઈના નામથી શ્રીકૃષ્ણ મંદિર પણ આવેલું છે. અને મીરાબાઈની ધર્મશાળા પણ પૌરાણિક કાળથી દ્વારકામાં આવેલી છે, તો મીરાબાઈના અનેકવિધ સંસ્મરણોની નોંધ દ્વારકાના જાણીતા પુરાતત્ત્વવિદ લેખકો સ્વ.પુષ્કરભાઈ ગોકાણી, વર્તમાનમાં સવજીભાઈ છાયા, પ્રો.ઇશ્ર્વરભાઈ પરમાર તેમજ સ્વ.કલ્યાણભાઈ જોશી જેવા દિગ્ગજોએ તેમના લેખોમાં મીરાબાઈની શ્રીકૃષ્ણ પ્રત્યેની અપાર પ્રેમભાવભરી ભક્તિનો ઉલ્લેખ કર્યો છે. દ્વારકાના પત્રકાર ચંદુભાઈ બારાઈએ પણ તેમના દ્વારકા પરિચય પુસ્તકના હિન્દી આવૃત્તિમાં વિસ્તારપૂર્વક દ્વારકા અને મીરાના શીર્ષક હેઠળ લેખ પ્રસિદ્ધ કરેલો છે. દર વર્ષે મીરાબાઈની જન્મ જયંતિ નિમિત્તે ઓખામંડળ પંથકના બંને યાત્રાધામોમાં મીરાબાઈના સંસ્મરણોને યાદ કરાય છે.