ગત વર્ષ એક કરોડથી વધુ રોકડ ઉપાડની સંખ્યા ૧.૭૫ લાખને આંબી ગયેલી: ૨૦૧૭-૧૮નાં પ્રમાણમાં ટીડીએસનો પ્રસ્તાવ સરકારની તિજોરીમાં ૩૫૦૦ અબજ કરોડ ઠાલવશે
દેશનાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા જે કેન્દ્રિય બજેટ રજુ કરવામાં આવ્યું હતું તેમાં ટેકસને લઈ એક મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, પ્રતિ વર્ષ ૧ કરોડથી વધુની રોકડ ઉપર ૨ ટકા ટીડીએસ ચાર્જ લગાવવામાં આવશે. આ પ્રસ્તાવને લઈ દેશમાં અંધાધૂંધી ફેલાશે તો નવાઇ નહીં. કારણકે ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની વાત કરવામાં આવે તો એક કરોડ રોકડ વ્યવહાર ઉપર જે ટીડીએસ લગાવવાની વાત સામે આવી હતી તેનાથી અનેકવિધ પ્રશ્ર્નો ઉદભવિત થશે. હાલ એક કરોડથી વધુ રૂપિયાની રોકડ ઉપાડતા ૧.૭૫ ખાતાઓ સામે આવ્યા છે.
સરકારનો જે ૮ ટકા જીડીપી અને ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનો જે લક્ષ્યાંક સેવવામાં આવ્યો છે તે કેવી રીતે શકય બનશે તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ એ વાત નકકી છે કે, સરકાર માટે હજી દિલ્હી દુર છે. ૨૦૧૭-૧૮નાં પ્રમાણમાં ટીડીએસનો પ્રસ્તાવ સરકારની તિજોરીમાં આશરે ૩૫૦૦ અબજ ડોલર ઠાલવવામાં આવશે તો પણ નવાઈ નહીં. ભારત દેશની જયારે વાત કરવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા કેસ ઈકોનોમી ઉપર મુખ્યત્વે આધાર રાખે છે ત્યારે જે રીતે સરકાર ડિજિટલ ઈન્ડિયાને પ્રાધાન્ય આપવા માટે નવતર ઉપાયો અને નવતર પ્રયોગો હાથ ધરી રહ્યું છે જેનાથી અનેકવિધ સમસ્યાઓ ઉદભવિત થશે.
કોઈપણ દેશની અર્થવ્યવસ્થા વધુ ખર્ચનાં કારણે મજબુત થતી નથી તે માટે ઈન્ડસ્ટ્રી, નિકાસ સહિતનાં મુદ્દાઓને ધ્યાને લેવા પડતા હોય છે અને જે દેશ આ પઘ્ધતિની અમલવારીમાં સફળતા પ્રાપ્ત કરે છે તે દેશની અર્થવ્યવસ્થા વધુ મજબુત બનતી હોય છે. સરકાર દ્વારા એ વાત માનવામાં આવે છે કે, તમામ રોકડ વ્યવહારો બે નંબરી હોય છે પણ તે ખરાઅર્થમાં હકિકત નથી હોતી. દેશનાં એપીએમસી વિશે જો માહિતી લેવામાં આવે તો ૯૦ ટકા વ્યવહાર રોકડ સ્વરૂપે થતા હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે, એપીએમસીમાં ખેડુતો ઘણા દુરથી આવતા હોય છે અને તેઓ બેન્કિંગ સિસ્ટમને ભારે પ્રાધાન્ય આપતા હોતા નથી જેનું કારણ એ પણ માનવામાં આવે છે કે, બેન્કિંગ સિસ્ટમ જે પ્રમાણમાં ડેવલોપ થવી જોઈએ તે થતી નથી. ચેક પણ અઠવાડિયા બાદ કિલયર થતા હોય છે જેથી તેઓને અને એપીએમસીની દલાલ મંડળીઓને રોકડ વ્યવહાર ઉપર મુખ્યત્વે આધાર રાખવો પડતો હોય છે ત્યારે પ્રતિ વર્ષ ૧ કરોડ રૂપિયાની રોકડ વ્યવહાર ઉપર જયારે ૨ ટકા ટીડીએસ લાગશે ત્યારે એપીએમસીમાં મંડળીઓએ વેપાર કેમ કરવો તે પણ એક મોટો પ્રશ્ર્ન ઉદભવિત થશે અને બજારમાં પણ અંધાધૂધી ફેલાશે તો નવાઈ નહીં. આ નિર્ણયનાં કારણે લોકો ભીખારી બની જશે ત્યારે સરકારે ગંભીરતાપૂર્વક આ અંગે વિચાર કરવો પડશે કે ભારત કેશ ઈકોનોમી હોવાનાં કારણે જે ૧ કરોડ રૂપિયા ઉપર ૨ ટકા ટીડીએસ લગાવવાનો નિર્ણય લીધેલો છે તે કેટલા અંશે યોગ્ય પુરવાર થશે.
૨૦૧૭-૧૮ની જો વાત કરવામાં આવે તો ૧.૭૫ લાખ ખાતાઓ દ્વારા એક વર્ષમાં એક કરોડથી વધુની રોકડ રકમનો વ્યવહાર કર્યો હતો જે ૧૧ લાખ કરોડને આંબ્યો હતો. આ તમામ કેસોમાં પાનકાર્ડ ખોટા હોવાનું પણ સામે આવ્યું હતું પરંતુ તેની જો બીજી તરફ નજર કેન્દ્રિત કરવામાં આવે તો મુખ્યત્વે તમામ રોકડ વ્યવહારો બે નંબરી હોતા નથી પરંતુ સરકાર દ્વારા હવે કરન્ટ એકાઉન્ટ ઉપર નજર રાખવામાં આવશે અને સાચા પાનકાર્ડની વિગતોને આધીન રહી સત્ય હકિકત પણ સામે આવશે ત્યારે સરકારનું માનવું છે કે, ૨ ટકા જે ટેકસ ડિડકશન એટલે કે ટીડીએસ સ્કિમને અમલી બનાવવામાં આવી છે તેનાથી મોટાપ્રમાણમાં થતા રોકડ વ્યવહારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને એડવાન્સ ટેકસ પેમેન્ટ માટે તેઓએ પાનકાર્ડનો ઉપયોગ કરવો ફરજીયાત બની રહેશે. આ યોજનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, જે પેઢીઓ રોકડ વ્યવહાર ખોટા પાનકાર્ડ આધારીત કરે છે તે હવે નહીં થઈ શકે.
કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં જે પ્રવિધાન કરી ૨ ટકા ટીડીએસની વાત કરવામાં આવી છે તેને જોતાં દેશમાં અનેકવિધ તકલીફોનો સામનો વ્યાપારી વર્ગ, ખેડુત વર્ગ તથા એ ખાતાઓએ સહન કરવાનો રહેશે કે જેઓ કેશ ઈકોનોમી ઉપર વધારેને વધારે મદાર રાખતા હોય છે ત્યારે સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બેન્કિંગ સુવિધાઓનો જે અભાવ જોવા મળી રહ્યો છે તેને નાબુદ કરી ગ્રામ્ય લોકોમાં બેન્કિંગ સિસ્ટમને લઈ જાગૃતતા ફેલાવવામાં આવે તો જે સમસ્યાનો સામનો કરવો પડે છે તે ન કરવો પડે અને દેશની અર્થ વ્યવસ્થા પણ મજબુત બની રહેશે.