આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સી અને નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ ટેક્નોલોજી હેઠળ ટ્રાન્સક્રિપ્શન શરૂ કરાયું
સુપ્રીમ કોર્ટે પહેલીવાર મંગળવારે પ્રાયોગિક ધોરણ ઉપર સુનાવણીનું લાઈવ ટ્રાન્સક્રિપ્શન શરુ કર્યું છે. એટલે કે સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે પહેલી વાર આર્ટીફીસીયલ ઇન્ટેલિજન્સી અને નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ ટેક્નોલોજીનો ઉપયોગ શરુ કર્યો છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કોર્ટરૂમમાં લાઈવ ટ્રાન્સક્રિપ્શનનું લોન્ચિંગ કર્યું હતું.
ટ્રાન્સક્રિપ્શન એટલે હવે અદાલતમાં બંને પક્ષના વકીલો દ્વારા જે ઓણ દલીલો કરવામાં આવશે તે તમામ દલીલો ડિજિટલ રેકોર્ડમાં જાળવી રાખવામાં આવશે જેથી ગમે ત્યારે ગમે તે વ્યક્તિ એ દલીલો સાંભળી શકશે.
પહેલની જાહેરાત કરતાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “અમે જોઈશું કે તે ખાસ કરીને બંધારણીય બેંચના કેસોમાં તે કેવી રીતે કાર્ય કરે છે. કારણ કે પછી અમારી પાસે દલીલોનો કાયમી રેકોર્ડ હશે.” તેમને વધુમાં જણાવ્યું હતું કે, તે ન્યાયાધીશ અને વકીલોને પણ મદદ કરશે. સાથે અમારી લો કોલેજને પણ મદદ કરશે. તે વિશ્લેષણ કરી શકે છે કે મુદ્દાઓ પર કેવી રીતે ચર્ચા થાય છે. તે એક વિશાળ સંસાધન છે.
મુખ્ય ન્યાયાધીશે આગ્રહ કર્યો હતો કે નિયમ બનતા પહેલા ટ્રાન્સક્રિપ્શનમાં ખામીને દૂર કરવા માટે એક કે બે દિવસ માટે આ પ્રાયોગિક ધોરણે કરવામાં આવશે. મંગળવારે સુનાવણીની શરૂઆતમાં, ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું, ‘શું તમે સ્ક્રીન જુઓ છો? અમે ફક્ત લાઇવ ટ્રાન્સક્રિપ્ટની શક્યતાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ હાલમાં શિવસેનામાં ભંગાણ સંબંધિત મુદ્દાઓ પર વિચાર કરી રહી છે. બંધારણીય બેંચની કાર્યવાહી સર્વોચ્ચ અદાલતની વેબસાઈટ પર અપલોડ કરતા પહેલા તેની નકલ કરવામાં આવશે અને ચકાસણી માટે વકીલોને આપવામાં આવશે.