કપાસનો ભાવ ગત વર્ષે વધુમાં વધુ રૂ. 1365 હતો, રૂ. 2111 ભાવ બોલાતાં હાલારના ખેડૂતો ખુશખુશાલ
અબતક,જામનગર
જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે દરરોજ જુદી જુદી જણસો વેચાણ અર્થે આવે છે.જેમાં હાલ મુખ્યત્વે કપાસ, મગફળી સહિતની જણસોની હરાજી કરવામાં આવે છે. એવામાં આજે ગુરૂવારના રોજ હાપા માર્કેટીંગ યાર્ડમાં કપાસની હરાજીએ નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. જેમાં 20 કિલોના એટલે કે એક મણ કપાસના 2111 રૂપિયા ભાવ ઉપજતા કપાસના ભાવે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. કપાસના ઉચ્ચતમ ભાવ મળતાં ખેડૂતો પણ ખુશ ખુશાલ થઈ ગયા છે.
ચાલુ વર્ષે ચોમાસામાં જામનગર જિલ્લામાં વરસાદે પણ ચારેય તરફ પાણી-પાણી કરી દેતાં મોટા ભાગના કપાસમાં રોગચાળો આવતાં બગડી જતાં હાલ કપાસની આવક ગત વર્ષ કરતાં ઓછી જોવા મળી રહી છે. તેમ છતાં હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે દરરોજ કપાસની આવક જેવા મળી રહી છે. એપીએમસી દ્વારા થતી ખરીદીમાં આજરોજ એકાએક કપાસના ભાવમાં વિક્રમી ઉછાળો જોવા મળ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં કપાસની આવક થવા પામશે તેવી શક્યતાઓ છે. જામનગર જિલ્લાના કેટલાંક વિસ્તારમાં કપાસમાં રોગચાળો આવી જતાં પાક નિષ્ફળ નિવડ્યો છે. ત્યારે સારો એવો ભાવ ઉપજતાં ખેડૂતોમાં રાજીપો અનુભવાયો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કપાસનો વિક્રમી ભાવ પહોંચ્યો હોય તેવું હજી સુધી બન્યું નથી. ગુજરાતના અન્ય માર્કેટીંગ યાર્ડ કરતાં સૌથી વધુ ભાવ નોંધાયો હોય તેમ ખેડૂતો દ્વારા જણાવાઈ રહ્યું છે જામનગરના માર્કેટિંગ યાર્ડમાં આજે રાજ્યમાં હરાજીમાં કપાસનો રાજ્યનો સૌથી વધુ ભાવ બોલાયો હોવાનું યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલે જણાવતા કહ્યું હતું કે આજે રાજ્યમાં કપાસનો સૌથી ઊંચો ભાવ મણે રૂ. 2111 પર પહોંચ્યો હતો. આ ભાવ ગત વર્ષે વધુમાં વધુ રૂ. 1365 હતો. જેની સામે આજે રૂ. 2111ના ઓલ ટાઈમ હાઈ ભાવ મળ્યા છે. ઉપરાંત કપાસની 2000 ગાંસડીઓની આવક થઇ છે. હરાજીમાં કપાસનો ઊંચો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી