મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે: બે કિ.મી. લાંબી યાત્રામાં એક લાખથી વધુ લોકો જોડાશે
ભારત દેશ અંગ્રેજોની ચૂંગાલમાંથી મુક્ત થયાના 75 વર્ષ પૂર્ણ થતા હાલ દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત આવતીકાલે રાજકોટમાં ઐતિહાસિક તિરંગા યાત્રા યોજાશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સામેલ થશે. બે કિલોમીટરની આ તિરંગા યાત્રામાં એક લાખથી પણ વધુ લોકો દેશભક્તિની ઉંચ ભાવના સાથે જોડાશે. વહિવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે યાત્રાના રૂટનું વધુ એક વખત નિરિક્ષણ કરવામાં આવ્યુ હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન હાથ ધરાનારા ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત રાજ્યમાં ઠેર-ઠેર તિરંગા યાત્રા યોજાઇ રહી છે. આવતીકાલે રાજકોટ શહેરમાં ઐતિહાસિક તિરંગા યાત્રા યોજાશે. શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સવારે 9 કલાકે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તિરંગા યાત્રાને આરંભ કરાવશે. આ ઐતિહાસિક ક્ષણના સાથી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ બનશે. બહુમાળી ભવન ચોકથી રાષ્ટ્રીય શાળા સુધી આશરે બે કિ.મી. લાંબી આ તિરંગા યાત્રામાં એક લાખથી વધુ લોકો જમણા હાથમાં તિરંગો લઇ યાત્રામાં સામેલ થશે.
તિરંગા યાત્રાની શરૂઆત થતા પૂર્વ સવારે 8 થી 9 એમ એક કલાક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. યાત્રામાં ચારથી પાંચ મ્યુઝિક બેન્ડ પણ જોડાશે. યાત્રામાં સામેલ થવા માટે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે. દેશ માટે એક કલાક ફાળવવા રાજકોટવાસીઓને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા એક ઐતિહાસિક સંભારણુ બની રહેશે.
‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત રાજ્યના અલગ-અલગ ચાર મહાનગરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. સુરત, અમદાવાદ અને ભાવનગરમાં તિરંગા યાત્રા યોજાઇ ચુકી છે. આવતીકાલે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાશે. બહુમાળી ચોકથી રાષ્ટ્રીય શાળા સુધીના તિરંગા યાત્રાના રૂટ પર ઠેર-ઠેર સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
તિરંગા યાત્રાને લઇ રાજકોટવાસીઓમાં જબરદસ્ત દેશભક્તિનો જૂવાળ જોવા મળી રહ્યો છે. યાત્રામાં જોડાવવા લોકોમાં સ્વયંભૂ થનગનાટ છે. છેલ્લા ચારેક દિવસથી શહેરમાં અલગ-અલગ શાળા તથા સંસ્થા દ્વારા યોજાઇ રહીલી તિરંગા યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. રાજકોટમાં તિરંગા યાત્રામાં જિલ્લા વહિવટી તંત્ર ઉપરાંત કોર્પોરેશન, ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ સંગઠનો, સેવાકીય સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો, વિવિધ યુનિવર્સિટી, શાળા-કોલેજો તથા રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રતિનિધીઓ જોડાશે.