આ શબ્દાંજલી છે માંધાતાસિંહ જાડેજાની. રાજકોટના રાજવી પરિવાર સાથેનો નાતો વર્ણવતા માંધાતાસિંહે જણાવ્યું કે, ગુરૂને યાદ કરતા જે સૌથી પહેલો વિચાર આવે અને ઉર્મીઓ ઉછાળા મારે એ યાદો એટલે મનોહરસિંહજી જાડેજા અને લાભુભાઇનો નિ:સ્વાર્થ સંબંધ. આ બન્નેનો સમન્વય થાય એટલે રાજકોટમાં થનાર કોઇપણ પ્રકારનું રચનાત્મક કાર્ય કે કોઇ સકારાત્મક પ્રવૃતિ અંગફે જ હોય.
સદ્કાર્યોની સુવાસ રાજકોટ શહેરની ભૂમિમાં પ્રસરાવનાર મહામાનવે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ અને લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળની સ્થાપના કરીને શિક્ષણ જગત માટે એક નવી કેડી કંડારી હતી એમ જણાવીને માંધાતાસિંહે રાજકોટ શહેરને આપેલ સાક્ષર સમાજના ઉદ્ઘોતક કહ્યા હતા.
માંધાતાસિ:હ જાડેજાએ યાદોના પાના ફેરવતા જણાવ્યું કે, મારા દાદાની ઓફિસમાં લગભગ રોજ ગુરૂનું આગમન અચૂક થતું. ક્યારેક એક-બે દિવસ ગુરૂના પગલા દાદાની ઓફિસમાં ન થયા હોય ત્યારે દાદા અચૂકપણે ગુરૂને ફોન કરી પૂછતા કે બે દિવસથી કેમ નથી પધારતા. દાદા અને ગુરૂ વચ્ચેનો ધરોબો મે ખુબ નજીકથી નિહાળ્યો છે. ગુરૂએ રાજકોટમાં શૈક્ષણિક યજ્ઞ શરૂ કરેલો તેનો હું સાક્ષી રહ્યો છું.પૂ. દાદાને જ્યારેપણ ચૂંટણી લડવાની થતી ત્યારે ચૂંટણીનાં પ્રચાર-પ્રસાર અને એ માટેની રણનીતિ ઘડવાની આવશ્યકતામાં ગુરૂનો અનન્ય અને સ્વાર્થ વગરનો સહકાર રહેતો. રાજકોટના કલ્યાણ માટેનાં દાદા અને ગુરૂના સંનિષ્ઠ પ્રયાસો અને વાર્તાલાપોનો હું સાક્ષી છું અને એમના થતા વાર્તાલાપોમાંથી મને ઘણું શિખવા-સમજવા મળ્યું છે એટલે અંશે હું મને ભાગ્યશાળી સમજુ છું.