સાઇન લેંગ્વેજ દ્વારા વગર બોલ્યે બધું કહી દેતા વિડિયોની અનોખી દાસ્તાન
કોરોનાની મહામારી સામે મક્કમતાથી લડવા માટે પ્રત્યેક વ્યક્તિ જાગૃત બની કોરોનાના સંક્રમણને અટકાવવા બનતા તમામ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કોરોનાના આ સંક્રમણથી બચવા માટે જે સામાન્ય નથી એવા લોકો એટલે કે, દિવ્યાંગ જનોનું શું ? જે લોકો મૂક – બધીર છે. એટલે કે જે બોલી કે સાંભળી શકતા નથી તેવા લોકોનું શું તેમને આ મહામારી સામે કેવી રીતે પોતાનું રક્ષણ કરવું તે તેમને કેવી રીતે સમજાવવું ? આવા વિચારોના પરિણામે રાજકોટની વિરાણી બહેરા મૂંગા શાળાના શિક્ષક હિરેનભાઈ પંડયા દ્વારા કોરોનાની મહામારી વચ્ચે આરંભાયું છે, દિવ્યંગજનોને કોરોનાથી બચાવવા માટે તેમને જાગૃત કરવા માટેનું યજ્ઞકાર્ય.
રાજકોટવાસી કોઈ કાળે કોરોના સામે હાર ન સ્વીકારી શકે.અને એટલે જ આજે રાજકોટના આ મુકબધીર હિરેનભાઈ તેમની સાઈન લેંગ્વેજના સપ્તરંગી રંગો વડે પોતાના મુકબધીર ભાઈઓ અને બહેનોને કોરોના સામે લડવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
સતત નવું કરવાની અને શીખવાની તત્પરતા ધરાવતા મુકબધીર હિરેનભાઈ છગનભાઈ શામજીભાઈ વિરાણી બહેરા મુંગા શાળામાં વર્ષ ૨૦૦૯ થી શિક્ષક તરીકે કાર્યરત છે. કોરોના કાળમાં સ્પષ્ટ બોલી-સાંભળી-જોઈ શકતો માનવી ભયના ઓથાર નીચે જીવી રહ્યો છે. ત્યારે મુકબધીર લોકોને તો વિશેષ સાવચેતી, સલામતી અને હુંફની જરૂર હોય છે. તેથી ફિલ્મ મેકીંગના હુનર અને સાઈન લેંગ્વેંજના સમન્વય સાથે હિરેનભાઈ વીડિયોના માધ્મયી પોતાના મુકબધીર ભાઈઓ-બહેનોને કોરોના સામે લડાઈ લડવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે. કોઈપણ પ્રકારના અવાજ વગરનો હિરેનભાઈના આવા વીડિયોમાં તેમનું મૌન વાચાળ બની તેમના જેવા અનેક મૂક – બધિર લોકોને કોરોના સામે સાવચેત રહેવા અને સરકારની માર્ગદર્શિકા મુજબ જરૂરી સાવધાની રાખવા પ્રેરણા પૂરી પાડી રહયો છે.
કોરોના સામે પ્રયાસોને પ્રોત્સાહનબળ પૂરૂં પાડવા માટે વિરાણી બહેરા-મુંગા શાળાએ પોતાના ખર્ચે તેમને કેમેરા, લાઈટીંગ અને ટ્રાઈપોડ જેવી સુવિધાઓ પુરી પાડી છે. જેનો ઉપયોગ કરીને સાઈન લેંગ્વેંજ દ્વારા કોરોનાથી સંક્રમિત થતા કેમ બચવું, માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા, સોશ્યિલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા, તબીબો-પોલીસ-સફાઈ કામદારો સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સને માન આપવા, ગમે ત્યાં ન થુંકવા સહિતના અનેક સંદેશાઓ હિરેનભાઈ તેમના વાચાળ મૌન સાથે મુકબધીર લોકો સુધી પહોંચાડી રહ્યા છે.