એરપોર્ટ ઓથોરિટી, કલેકટર તંત્ર અને ડીઆઈએલઆરના પ્રતિનિધિઓએ હાથ ધર્યો સર્વે : અઠવાડિયામાં કામગીરી થશે પૂર્ણ
રાજકોટની ભાગોળે નિર્માણ પામનાર હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ફરી વેગ પકડી રહ્યું છે. હાલ એરપોર્ટની ફાઇનલ બાઉન્ડરી નક્કી કરવા માટે ડીમાર્કેશન ચાલુ કરવામાં આવ્યું છે. જેના માટે એરપોર્ટ ઓથોરિટી, કલેકટર તંત્ર અને ડીઆઈએલઆરના પ્રતિનિધિઓએ સર્વે હાથ ધર્યો છે. અંદાજે એક અઠવાડિયામાં આ કામગીરી પૂર્ણ થનાર છે.
રાજકોટની ભાગોળે હીરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થવાનું છે. આ એરપોર્ટ માટે રાજકોટ જિલ્લાની ૩૬.૨૫ હેકટર ખાનગી મળીને ૭૦૭.૨૧ હેકટર જમીન ફાળવવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ૪૨.૩૧ હેકટર ખાનગી જમીન મળીને કુલ ૩૨૫.૯૬ હેકટર જમીન ફાળવામાં આવી છે. આમ એરપોર્ટ માટે કુલ ૪૨.૩૧ હેકટર ખાનગી મળીને
કુલ ૧૦૩૩.૧૭ હેકટર જમીનનો ઉપયોગ કરવામાં આવનાર છે.
હાલ એરપોર્ટની બાંધકામ પૂર્વેની મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. વચ્ચે લોકડાઉનના કારણે એરપોર્ટનું કામ થોડા સમય માટે ઠપ્પ પડ્યું હતું. પરંતુ હવે ફરી કામનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. એરપોર્ટની ફાઇનલ બાઉન્ડરી નક્કી કરવા માટે આજથી ડીમાર્કેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં એરપોર્ટ ઓથોરીટી, કલેકટર તંત્ર અને ડીઆઈએલઆરના પ્રતિનિધીઓ રોકાયા છે. હાલ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. બાદમાં ખાંભા નાખીને બાઉન્ડરીને કવર કરવામાં આવનાર છે.ઉલ્લેખનીય છે કે આ કામગીરી અંદાજે એક અઠવાડિયા સુધી ચાલવાની છે.