અંદાજીત ૧૮ ટકા જેટલું ડિમાર્કેશન બાકી: સુરેન્દ્રનગરની ખાનગી જમીન હજુ પણ સંપાદિત થઈ નથી
હિરાસર એરપોર્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે અડધા ડઝન જેટલા સરકારી વિભાગનાં અધિકારીઓએ આજે હિરાસર એરપોર્ટની જગ્યાએ સ્થળ તપાસ હાથધરી જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી. હાલ હિરાસર એરપોર્ટ માટે અંદાજીત ૧૮ ટકા જેટલું ડિમાર્કેશન બાકી છે. ઉપરાંત સુરેન્દ્રનગરની ખાનગી જમીન હજુ પણ સંપાદિત થઈ ન હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટની ભાગોળે હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થવાનું છે. હાલ આ માટે પુરજોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે આજરોજ પીજીવીસીએલ, પાણી પુરવઠા બોર્ડ, માર્ગ-મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, ફોરેસ્ટની ટીમ સહિતનાં અડધો ડઝન જેટલા સરકારી વિભાગનાં અધિકારીઓએ સ્થળ સમીક્ષા કરી હતી. આ તકે રેવન્યુ વિભાગનાં અધિકારીઓએ પણ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ એરપોર્ટની કામગીરીમાં ૧૮ ટકા જેટલું ડિમાર્કેશન બાકી છે ઉપરાંત એરપોર્ટની જગ્યા પર થાંભલા, વૃક્ષ અને ચેક ડેમો પણ નડતરરૂપ છે. આ સાથે સુરેન્દ્રનગરનાં એક સર્વે નંબરની જમીન હજુ પણ સંપાદિત થઈ ન હોવાનું ધ્યાને આવ્યું છે.