રત્ન કલાકારોની હાલત કફોડી: ઘરના બે છેડા ભેગા કરવા મજૂરી કામે ચડી ગયા
જસદણમાં હીરાના કેટલાક કારખાનાઓ દ્વારા ફરજીયાત વેકેશન જાહેર કરી દેવામાં આવતા બહોળી સંખ્યામાં રત્ન કલાકારોની દશા પડયા પાર પાટુ જેવી થઈ ગઈ છે. શહેરમાં લાંબા સમયથી હીરા ઉદ્યોગ મરણ પથારી પર હોવાથી અનેક બેરોજગારો બેરોજગાર બની ગયા છે. એમાંય હમણાની મંદિને કારણે કેટલાય નાના એકમો બંધ થયા અને મોટા એકમોએ ફરજીયાત વેકેશન જાહેર કરતાં હજારોની સંખ્યામાં રત્ન કલાકારોની હાલત ઈધર ખાઈ ઉધર કુંવા જેવી થઈ ગઈ છે.
મોટાભાગના રત્ન કલાકારો મજૂરીકામમાં લાગી ગયા છે. કેટલાયને તો ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બની ગયા છે. શહેરમાં દિવાળી પછી ૧૮ થી ૨૦ ટકા કારખાનાઓ ખુલ્યા જ નથી ત્યાં વળી કેટલાંકે બંધ અને ફરજીયાત વેકેશન જાહેર કરતા હિરાબજારમાં સોંપો પડી ગયો છે.
આ અંગે કોંગ્રેસના યુવા અગ્રણી વિનુભાઈ લોદરીયાએ જણાવ્યું કે, નોટબંધી, જીએસટી અને ‚પિયાનું ધોવાણથી હીરા ઉદ્યોગનો ભાંગીને ભુકકો થઈ ગયો છે. ખાસ કરીને આ ઉદ્યોગને બેઠો કરવા માટે જે પ્રયાસો રાજયની ભાજપ સરકારે કરવા જોઈએ તે થતાં નથી. વિનુભાઈએ વધુમાં જણાવ્યું કે, કારખાનેદારોનું શોષણ સરકાર કરે અને કારખાનેદારો કારીગરોનું શોષણ કરે છે તે બાબતે પણ સરકાર લાપરવાહ હોવાથી હીરા ઉદ્યોગ વિકાસને બદલે વિનાશ તરફ જઈ રહ્યો છે.