રાજકોટની ભાગોળે ૨૩૦થી વધુ પંખીઓ અને વન્ય જીવોને જોવા
પ્રકૃતિને જાણવા માણવા શહેરથી બહાર નૈસર્ગીક વાતાવરણ જેવા કે જંગલ, વન કે અભ્યારણ્યની સંગાથે મહાલવું પડે. શહેરની ભીડભાડથી શાંત નૈસર્ગીક વાતાવરણમાં પશુ પંખીને જોવા જાણવાનો અને શાંતિનો અનુભવ થાય. નયનરમ્ય અલૌકીક વાતાવરણમાં પ્રાકૃતિક માહોલની અનુભૂતિ વર્ણવી ન શકાય.
ખાસ કરીને વિદ્યાર્થી કાળમાં પ્રકૃતિને જોવા સમજવાનો અનેરો ઉત્સાહ હોય છે. સહાયક વન સંરક્ષક, ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ૩૦ શિબિરમાં ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ શિબિર ત્રણ દિવસ બે રાત્રીની હોઈ છે જેમાં રહેવા જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. અહીં દસ રૂમ છે.
આ શિબિરમાં વિદ્યાર્થીઓને જંગલ વિશે, ઝાડપાન, વન્ય પ્રાણીઓની માહિતી તેમજ સાપ વિશે માહિતી આપવામાં આવે છે. આ ઉપરાંત ચેકડેમ સહિતના વિવિધ કામોની માહિતી અને મુલાકાત, ભેજ સંરક્ષણ અંગે માહિતગાર કરવામાં આવે છે. આ શિબિરમાં જોડાવા ગીર ફાઉન્ડેશન ગાંધીનગર અરજી કરવાની હોય છે.
૬૫૪.૧ હેક્ટરમાં ફેલાયેલ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ આ અભ્યારણ્યમાં ગિરાડ,ખપાટી, વિકરો, કાચયાડી, હરમોબાવળ, દેશી બાવળ જેવા વૃક્ષો છે.અહીં નવરંગ, દુધરેજ, થરતારો, મોર, બુલબુલ સહીત ૨૩૦ જેટલા પક્ષીઓ, ૧૯ જાતના સાપ, નીલગાય, હરણ,ચિંકારા, ઝરખ,સાહુડી સહિતના વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ખાસ કરીને ચોમાસાની શરૂઆત અને શિયાળા દરમ્યાન અહીં મુલાકત લઈ આ પ્રકૃતિનો આનંદ લઈ શકાય છે.