ભારતીય સ્વાદપ્રિય પ્રજા માટે સદીઓથી સ્વાદ, રસ અને સોડમ પીરસતી સૌથી વધુ વપરાતી હિંગ અત્યાર સુધી ભારતમાં ઉત્પન્ન થતી નથી, હવે તેનું ઉત્પાદન થશે
મારે ‘હિંગ’ કે ‘ફટકડી’ કંઈ નહીં… ખુબ જ વ્યાપક પ્રમાણમાં ગુજરાતીમાં બોલવામાં આવતી આ કહેવત અસમર્થતા કે બેજવાબદારી અથવા તો કોઈપણ બાબતમાંથી હાથ અધ્ધર કરી લેવા માટે વાપરવામાં આવે છે પરંતુ હકીકતમાં આ કહેવતમાં ભારતમાં સૌથી વધુ વાપરવામાં આવતા સોડમ યુક્ત પદાર્થ તરીકે હિંગ અને અનેકવિધ ઉપયોગ માટે જાણીતી ફટકડીનું ઉત્પાદન આપણા દેશમાં થતું નથી. મારે ‘હિંગ’ કે ‘ફટકડી’ કંઈ નહીં…ની કહેવત હવે આગામી દાયકામાં અને આપણી આગળની પેઢીમાં કદાચ નહીં બોલાય. કેમ કે, ખેતી પ્રધાન ભારત દેશમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની સતત મથામણ વચ્ચે હવે લાંબા સમય બાદ ભારતમાં ખોરાક અને સુગંધ માટે વાપરવામાં આવતી હિંગને એક મુલ્યવાન મસાલા તરીકે વિવિધ સ્તરે થતાં વપરાશ છતાં પણ તેનું ઉત્પાદન થતું ન હતું. હવે ભારતમાં હિંગની ખેતી શરૂ થશે.
ભારતીય સમાજ જીવન અને રસોડાની રાણી ગણાતી હિંગનું ઉત્પાદન ભારતમાં થતું નથી.
ભારતમાં હિંગના ઉછેર માટે સૌપ્રથમ ડગલુ ભરવામાં આવી રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં ઠંડા રોહાલ ખીણ વિસ્તારમાં ખેડૂતોએ સૌપ્રથમવાર હિંગની ખેતી પર હાથ અજમાવતા પલ્લમપુરના કૃષિ સંશોધન કેન્દ્રના આ પ્રયાસથી ઠંડા રણ પ્રદેશની કિસ્મત બદલાઈ જશે.
૧૫ ઓકટોબરે સૌપ્રથમવાર હિંગના બીજ કૃષિ વિષયક પ્રયોગમાં લાહોલના કવારીંગ ગામમાં રોપીને ભારતમાં હિંગની ખેતીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, હિંગ ભારતના પાક શાસ્ત્ર અને રસોઈ ઘરમાં કિંમતી અને મુલ્યવાન મસાલા તરીકે દાયકાઓથી વપરાતી આવે છે. ગયા વર્ષે જ સુગંધના રાજા તરીકે વાપરવામાં આવતી આ હિંગને ૧૫૦૦ ટનની આયાત અફઘાનિસ્તાન, ઈરાન અને ઈઝબેકિસ્તાનથી કરીને ૯૪૨ કરોડનું હુંડીયામણ ખર્ચવામાં આવ્યું હતું. અત્યાર સુધી આયોજન અને કાચા માલની અછતથી ભારતમાં હિંગના વપરાશ અને ઉછેરની પરિસ્થિતિ અસંભવ માનવામાં આવતી હતી. પાલનપુર કૃષિ સંશોધન કેન્દ્ર સાથે હિમાલય બાયો રિસર્ચ ટેકનોલોજી સેન્ટર દ્વારા સૌપ્રથમવાર હિંગના બીની આયાત કરીને તેના ઉછેરનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ભારતમાં ઠંડા રણ પ્રદેશ જેવા હિમાલય ક્ષેત્રે, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરૂણાચલ પ્રદેશમાં હિંગની ખેતીની વિપુલ તક ઠંડા પ્રદેશના લોકોની આર્થિક પરિસ્થિતિ બદલી નાખશે. તેમ કૃષિ સંશોધન કેન્દ્રના મહાનિર્દેશક સંજયકુમારે જણાવ્યું હતું.
હેકટર દીઠ ૩ લાખ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ ૧૦ લાખ રૂપિયા સુધીની આવક ખેડૂતોને થશે. હિંગની ખેતીના અભ્યાસ માટે ૩૦૦ હેકટર જમીન ફાળવણી કરી છે. હિમાચલપ્રદેશ અને અન્ય ઠંડા પ્રદેશોમાં આ ખેતી કરી શકાશે. વિશ્ર્વમાં અત્યારે ૧૩૦ પ્રકારના મસાલા પાકમાં માત્ર કેફલા હિંગને ઉત્પાદન માટે પસંદ કરવામાં આવી છે. ભારતમાં હિંગ થતી નથી, હવે આ હિંગ પશ્ર્ચિમ હિમાલય અને લદ્દાખમાં થશે. ભારત અને ખાસ કરીને ગુજરાતમાં વાનગીને સુગંધી અને રસપ્રચુર બનાવવા માટે હિંગનો વઘાર કરવામાં આવે છે. પેટ અને ખાસ કરીને વાયુ, બાદીના નિવારણ અને બાળકોથી લઈ વૃદ્ધો માટે હિંગને રામબાણ ગણવામાં આવે છે. ખુબજ વાપરવામાં આવતી હિંગ અત્યાર સુધી ભારતમાં થતી નહોતી, તેમાં ખાસ કરીને ગુજરાતની ગૃહિણીઓ રસોઈમાં હિંગના વપરાશની માસ્ટરી ધરાવે છે. હિંગના પ્રમાણમાં જરા સરખો વધારો-ઘટાડો થાય તો તેની અસર સ્વાદ અને સુગંધમાં થઈ જાય છે. પરંતુ ભારતીય મહિલાઓ ખુબજ સંતુલીત રીતે હિંગનો વપરાશ કરી જાણે છે.