હિન્દુ ધર્મ ઋષિમુનિઓ અને મહાત્માઓના ચિંતન,મનન અને સામૂહિક મંથનમાંથી ઉદભવ્યો અને વિકાસ પામ્યો છે
હિન્દુ શબ્દની ઉત્પત્તિ ધુર ધાતુ પરથી થઈ છે.તેનો અર્થ છે ધારણ કરવું.મહાભારતમાં કહેવામાં આવ્યું છે કે જે કાર્ય સમાજને ધારણ કરે એ ધર્મ છે. અંગ્રેજીમાં જેને રિલિજન અને ઉર્દૂમાં મજહબ કહે છે.તે હિન્દુ માન્યતા પ્રમાણે ઈશ્વરની આરાધનાનો પંથ માત્ર છે.સમાજધારક ધર્મ નથી.હિન્દુ ધર્મની ભીતર પણ અનેક પંથ છે.એટલે સુધી કે કોઈ વ્યક્તિ ઈશ્વરની સત્તાનો ઈનકાર કરીને પણ હિન્દુ ધર્મી તરીકે જીવી શકે છે.હિન્દુ વિશ્વનો કદાચ એક માત્ર ધર્મ છે જેમાં નાસ્તિકતાનું દર્શન પણ આપવામાં આવેલું છે.રિલિજન અને ધર્મમાં અંતર છે,તેમ ધર્મ અને સંપ્રદાયમાં પણ છે.કેથલીક અને પ્રોટેસ્ટન્ટ,શિયા અને સુન્ની,શૈવ અને વૈષ્ણવ આ બધા સંપ્રદાય છે.
રિલિજન અથવા મજહબ એવી આસ્થા પદ્ધતિ છે,જેનો ભૂતકાળમાં કોઈ પ્રવર્તક હતો.કોઈ સ્થાપક હતો.તે સ્થાપકને ઈશ્વરનો દૂત કે સંદેશવાહક કહેવામાં આવ્યો છે ન કે અવતાર.તેની સામે હિન્દુ ધર્મનો કોઈ સ્થાપક કે જન્મદાતા નથી.ખ્રિસ્તીનું પવિત્ર પુસ્તક બાઈબલ છે અને મુસ્લિમોનો ધર્મગ્રંથ કુરાન છે.હિન્દુ ધર્મમાં આવું કોઈ એક જ પુસ્તક કે એક જ પૂજા પદ્ધતિ નથી.
ચાર વેદ,અઢાર પુરાણ, રામાયણ, મહાભારત, એકસો આઠ ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બીજા ઘણાં પુસ્તકો છે.હિન્દુ શ્રદ્ધાળુઓને પોતાની મરજી પ્રમાણે દેવી-દેવતાઓને પૂજવાની કે ન પૂજવાની છૂટ છે.હિન્દુ ધર્મ ઋષિમુનિઓ અને મહાત્માઓના ચિંતન,મનન અને સામૂહિક મંથનમાંથી ઉદ્ભવ્યો અને વિકાસ પામ્યો છે.હિન્દુ ધર્મ સિંધુ નદીની નિરંતર વહેતી સનાતન જલધારા છે.તે તળાવ કે સરોવરનું બંધિયાર પાણી નથી.
જગતના ચાર મહા ધર્મોમાં હિન્દુ ધર્મના અનુયાયી સૌથી ઓછા છે અને માત્ર બે જ દેશો – ભારત અને નેપાળમાં તેનો ફેલાવો થયો છે.સૌથી ઓછી સંખ્યા અને સૌથી ઓછા દેશમાં ફેલાવો ધરાવતો હિંદુ ધર્મ સૌથી પ્રાચીન છે.અધ્યાત્મ ચિંતનમાં તથા ધર્મ સાહિત્યમાં સૌથી વધારે આગળ છે.હિન્દુ ધર્મ સૌથી વધારે નવો અને તાજો ધર્મ છે, કારણ કે તે સ્થળ કે કાળના બંધનોમાં જકડાયેલો નથી.હિન્દુઓના તત્ત્વજ્ઞાન તેમના કર્મકાંડ તેની ઉપાસના,વિધિઓ અને તેના આરાધ્યા દેવો પણ સતત ફેરવાતા રહ્યા છે અને હજી અત્યારે પણ આપણી નજર સામે તેમાં પરિવર્તન થઈ રહ્યાં છે.વેદ ગ્રંથો હિન્દુ ધર્મનાં આધાર ગ્રંથો ગણાય છે.પણ વૈદિક દેવો અને વિધિઓ આજે ક્યાંય જોવા મળતા નથી.
ઉપર વાત થયા મુજબ હિન્દુ ધર્મ અતિ પ્રાચીન અને વિશ્વના બીજા ધર્મો ઉપર પ્રભાવ પાડનારો છે, તેમ છતાં ભારતીય લોકો દિવસે દિવસે ધર્મ વિમુખ કેમ થઈ રહ્યા છે?આજે જેમ જેમ કળિયુગનો પ્રભાવ વધતો જાય છે,તેમ તેમ લોકો વધુને વધુ ધર્મ વિમુખ થઈ રહ્યા છે.મતલબ કે ધર્મમાં દંભનું પ્રમાણ વધતું જાય છે.અર્થાત્ ધર્મ પાળવાનો દંભ કરી રહ્યા છે.આચરણ ઓછું અને દેખાડો વધુ જોવા મળે છે.આજના ભૌતિકવાદના સમયમાં લોકોને ભીડ પડે કે કોઈ મુશ્કેલી આવે અથવા દુ:ખમાં સપડાય ત્યારે જ ભગવાન યાદ આવે છે.લોકો ત્યારે જ ધર્મને યાદ કરે છે.ધર્મગુરુઓ,સંતો કે તાંત્રિકો પાસે સંકટમાંથી મુક્તિ મેળવવા દોટ મૂકે છે.ધર્મ બાબતે લોકોમાં આવું નાટકીય વર્તન જોવા મળે છે.દેશમાં આજે અનેક કથાકારની કથા વાર્તાઓ થાય છે.સંતો મહંતોના પ્રવચનો અને સત્સંગ સભાઓના આયોજનો થાય છે.વારે તહેવારે ઉત્સવ ઉજવણીઓ થઈ રહી છે.આ તમામ પ્રસંગોમાં લાખો લોકોની ભીડ જોવા મળે છે.તેમ છતાં સમાજમાં જે પરિવર્તન આવવું જોઈએ,તેમાં કોઈ સુધારો જોવા મળતો નથી.ઈનપુટના પ્રમાણમાં આઉટપુટ જોવા મળતું નથી.દિવસે – દિવસે અત્યાચાર,બળાત્કાર,લૂંટફાટ ખૂન – ખરાબા,છેતરપિંડી જેવી ઘટનાઓ સહજ અને સામાન્ય બનતી જાય છે.આપણને એવો વિચાર આવે કે આટલી બધી સમજણ અને જ્ઞાનનો પ્રવાહ વહેતો હોવા છતાં સમાજમાં કેમ કોઈ સુધારલક્ષી વર્તન જોવા મળતું નથી ! કેમ કોઈ પરિવર્તન દેખાતું નથી.આથી જ કહી શકાય કે આપણે દંભી ધાર્મિક છીએ.ધર્મની વ્યાખ્યા તો એવી હોવી જોઈએ કે આપણા વર્તન વ્યવહારમાં નીતિમત્તા હોય,પ્રમાણિકતા હોય,ચારિત્ર્યની પવિત્રતા હોય તો જ એ ધર્મ છે.ભગવાન સામે ધૂપ – દીપ કરીએ છીએ.પૂજા – પાઠ અર્ચના વગેરે કરીએ છીએ. ચાતુર્માસ શરૂ થઈ ગયા છે.અધિક શ્રાવણ માસ આજે પૂરો થઈ ગયો અને નીજ શ્રાવણની શરૂઆત પણ થઈ ગઈ.આવા ધાર્મિક દિવસોમાં ધર્મ અને ભક્તિનું ઘોડાપૂર જોવા મળતું હોયછે.પણ વર્તનમાં લગીરેય ફેરફાર જોવા નહીં મળે.આપણે લસણ ડુંગળી ન ખાવાની ટેક લઈએ છીએ,વારે – તહેવારે ઉપવાસ પણ કરીએ છીએ.પણ નોટ ખાઈ શકાય.ભ્રષ્ટાચાર કરી શકાય.અનીતિ આચરી શકાય.ખૂન ખરાબા કે વ્યભિચાર કરી શકાય.એને પાપ નથી ગણતા.આને દંભી ધાર્મિકતા કહી શકાય કે નહીં ? આપણે અનીતિથી મૂડી એકઠી કરીએ છીએ.ધંધા – રોજગારમાં અપ્રમાણિકતા દાખવવામાં જરા પણ ડર રાખતા નથી.પછી એ મેળવેલી મૂડીનું દાન કે ધર્માદો કરીને પાપ ધોવાનો નર્યો દંભ કરીએ છીએ.
વિશ્વના અન્ય દેશોમાં કદાચ મંદિરો ઓછા હશે કે લોકો ધાર્મિક ક્રિયાકાંડ ઓછા કરતા હશે,ધૂપ દીપ કે પૂજા અર્ચના ઓછી કરતા હશે,પરંતુ તેના વર્તન અને વ્યવહારમાં જોવા મળતા સદ્ગુણો અને પ્રમાણિકતા ઊડીને આંખે વળગે છે.કોઈની ચીજ વસ્તુ મળે તો પ્રમાણિકતાથી મૂળ માલિકને આપી દે છે.મારા એક મિત્ર વાત કરતા હતા.તેમના ભાઈ બિઝનેસ ટુર માટે ચાઈના ગયા હતા.ટેક્સીમાં મુસાફરી કરતી વખતે તેઓની હેન્ડ બેગ ટેક્સીમાં ભૂલીને પોતે ઉતરી ગયા.હેન્ડબેગમાં પાસપોર્ટ,ઘણા બધા ડોલર અને બીજા અગત્યના ડોક્યુમેન્ટ હતા.પોતે હાંફળા ફાંફળા થઈ ગયા.રોડ ઉપર ઉભા રહેનારા એક કોન્સ્ટેબલને વાત કરી.થોડા જ સમયમાં તેમને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા.ત્યાં રાખેલી લોસ્ટ પ્રોપર્ટીમાં જોઈને એમની હેન્ડ બેગ લઈ લેવાનું કહેવામાં આવ્યું.ન કોઈ જાતની ખાતરી કરવાની વાત કે ન કોઈ પુરાવા આપવાની વાત ! બિલકુલ ઝંઝટ કે પ્રશ્નોત્તરી કર્યા વગર આ પ્રક્રિયા પૂરી કરવામાં આવી. આ અર્થમાં મળેલી હેન્ડબેગ પ્રમાણિકતાથી પોલીસ સ્ટેશને જમા કરાવી દેનાર ટેક્સી ડ્રાઇવર અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ આપણાં કરતાં વધુ ધાર્મિક ગણાય કે નહીં ???
ખાસ કરીને આજના યુવાનો તર્ક,વિતર્ક,કુતર્કમાં ફસાઈને ધર્મ વિમુખ થઈ રહ્યા છે.સાંજનો સમય હોય,મંદિરમાં આરતી શરૂ થવાની હોય,લોકો મંદિરના ઓટલા પર બેસીને અલકમલકની વાતો કરતા હોય અને એ સમયે મંદિરની ઝાલર વાગે અને આરતી શરૂ થાય ત્યારે પેલા અલકમલકની વાતો કરતા લોકો ઊભા થવાની તો ઠીક પણ ભગવાનની સન્મુખ બેસવાની પણ તકલીફ નથી લેતા.કદાચ મંદિરમાં જતા હશે તો પણ દંભ પૂરતા જાય છે.ઠાકોરજીની પ્રદક્ષિણા કરતી વખતે પણ મોબાઈલ ઉપર સતત વાતો ચાલુ હોય છે.પોતે તો દર્શનનો દંભ કરે છે,પણ જે બીજા આસ્થાવાન લોકો દર્શન કરવા આવ્યા હોય છે,તેઓને પણ એ નડતરરૂપ બનતા હોય છે.મોટે મોટેથી વાતો કરીને આસ્થાવાન લોકોનું ધ્યાન ભંગ કરે છે.આ દુ:ખદાયી ઘટનાઓ આપણે સૌ સગી આંખે જોઈએ છીએ.મંદિરના ઓટલે જો એટલી બેહોશી હોય તો બીજા સ્થાનની તો વાત જ શું કરવી?!સમાજમાં જે કંઈ અરાજકતા છે,વૈમનસ્ય છે,રોગ છે, દુ:ખ છે તેનું એક મોટું કારણ આ બેહોશી છે,આ ધર્મ વિમુખતા છે.જો આપણે આપણાં બાળકોને ધર્માભિમુખ થતાં નહીં શીખવીએ તો કેરાલા સ્ટોરી મૂવીમાં પેલી યુવતી પોતાના પેરેન્ટને કહે છે તેવું થશે કે,
“ગલતી આપકી ભી હૈ, આપને હમે સિખાયા હી નહીં કી ધર્મ ક્યા હૈ”