રામ મંદિર મુદ્દો લોકોની આસ્થા સાથે જોડાયેલો હોવાથી સરકારે ઝડપી ધોરણે મંદિર નિર્માણ અંગે કાયદો બનાવવો જોઈએ: મોહન ભાગવત
દેશભરના લોકોની આસ્થા સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો રામ મંદિર જેના વિવાદની ગુથીનો હલ કાઢવા સરકારે કમરકસી છે. કારણ કે, લોકસભાની ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો ખૂબજ અસરકારક રહી શકે છે. વર્ષ ૨૦૧૦થી ચાલતા બાબરી મસ્જિદ અંગેના વિવાદને લઈ સરકારે આ અંગે યોગ્ય ખરડો પસાર કરવા અંગે જોર પકડયું છે.
જાન્યુઆરીમાં આ કેસને ફરીથી હાથમાં લેવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)એ રામ મંદિર નિર્માણ અંગેની માંગ કરી છે. ત્યારે રામ મંદિરનો મુદ્દો મોદી સરકાર માટે પણ મહત્વનો બની ચૂકયો છે. આ ઉપરાંત બાબરી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટે કરેલી ઢીલની પણ આલોચના કેટલીક વખત કરવામાં આવી છે. જો કે, બીજેપીના નેતૃત્વમાં રામ મંદિર નિર્માણ માટે કાયદો બનાવવાની માંગ અંગે કોઈપણ નિર્ણયો આવ્યા નથી.
સરકારનું લક્ષ્ય છે કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા હિન્દુ ‘સંત સમાજ’ની માંગ પુરી કરતા ધાર્મિક મુદ્દાને લીલીઝંડી આપવામાં આવે. અયોધ્યા કેસ અંગે કુલ ૧૯,૦૦૦ દસ્તાવેજો છે. જો કે, આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, રામ મંદિર નિર્માણ અંગે કોઈપણ રાજકારણને સ્થાન આપવું જોઈએ નહીં. સરકારે લોકોની ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખી મંદિર નિર્માણ અંગે કાયદો લાવવો જોઈએ. આપણે રામ મંદિર અંગે ભિખ માંગવાની નથી, રામ મંદિર આપણો અધિકાર છે.