શશી થરૂર અને રાહુલ ગાંધીએ કોંગ્રેસની અસલિયત ઉઘાડી કરી છે: રાજુભાઈ ધ્રુવ
ભારતને પાકિસ્તાન સાથે સરખાવીને થરૂરે રાષ્ટ્રનું અપમાન કર્યું છે, જ્યારે કોંગ્રેસ અધ્યક્ષે કોંગ્રેસ પાર્ટી મુસ્લિમોની હોવાનું વિધાન કરીને એક અબજ હિન્દુઓના દિલને ઠેસ પહોંચાડી છે
૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ બાદ ભાજપ ફરી સત્તા પર આવશે તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે એવા કોંગ્રેસી નેતા શશી થરૂરના વિધાનો અને કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે એવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિધાન સામે ભાજપના અગ્રણી અને ગુજરાત પવિત્ર તીર્થધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ધ્રુવે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસી સાંસદ શશી થરૂર અને રાહુલ ગાંધી બંને પ્રમાણ ભાન ગુમાવી ચૂક્યા હોય તેમ જણાય છે. અન્યથા, કોઈ ભારતીય નાગરિક આવી અત્યંત બેજવાબદાર વાત કરી શકે નહીં; પછી તેની વિચારધારા કોઈપણ હોય. હકીકત એ છે કે, કોંગ્રેસ અને તેના નેતાઓ ભયંકર હિંદુ-દ્વેષથી પીડાય છે. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ બાદ આજ સુધીમાં આ હકીકત અનેક વખત પુરવાર થઇ ચૂકી છે. શશી થરૂર અને રાહુલ ગાંધીના વિધાનોમાં પણ એ જ હકીકત પડઘાઈ છે અને પક્ષની અસલિયત હવે સંપૂર્ણપણે ઉઘાડી પડી ગઈ છે. જે માણસ પોતાનું ઘર પણ સંભાળી શક્યો નહીં તે સવાસો કરોડની વસ્તી ધરાવતા હિન્દુસ્તાનની ચિંતા કરવા નીકળ્યો છે. ભારત જેવી મહાન લોકશાહી ધરાવતા દેશને પાકિસ્તાનની સાથે સરખાવીને આ વિવાદાસ્પદ કોંગ્રેસી નેતાઓ ભારતમાતા અને પોતાની માતાના સંસ્કાર લજવી રહ્યા છે. કોંગ્રેસનો ભાજપ-વિરોધ હવે ભારત-વિરોધમાં પલટાઈ ગયો છે. બીજી તરફ, પોતાને શિવભક્ત ગણાવનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી હોવાનું કહીને એક અબજ હિન્દુઓનો ભયંકર દ્રોહ કર્યો છે અને તેઓના દિલને કદીયે રૂઝાય નહીં એવી ઠેસ પહોંચાડી છે.
એક નિવેદનમાં શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, હળાહળ હિંદુ દ્વેષ અને હિંદુ દ્રોહ કોંગ્રેસના ડીએનએમાં જ રહેલો છે એટલે થરૂર જેવાઓ પાસે વધુ સારી અપેક્ષા રાખી શકાય તેમ પણ નથી. જવાહરલાલ નહેરુએ સંપૂર્ણપણે હિંદુ વિરોધી નીતિઓ અપનાવી હતી અને હિંદુ શબ્દને જ અળખામણો બનાવી દીધો હતો. જે પવિત્ર ભૂમિ પર હજ્જારો વર્ષ પૂર્વે અનન્ય સંસ્કૃતિનો ઉદય થયો અને જગત સમસ્તને અનેક સમસ્યાઓના સમાધાન આપ્યા તે હિન્દુત્વ અને હિંદુ સંસ્કૃતિનું નિકંદન કાઢી નાખવાની કોંગ્રેસની નેમ છે એ હકીકત હવે કોઈનાથી પણ અજાણી રહી નથી. નહેરુ બાદ એમનાંપુત્રીરત્ન ઇન્દિરા ગાંધી એ જ રાહ પર ચાલ્યાં હતાં. ૧૯૬૬માં, ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માગણી માટે દેશભરમાંથી નવી દિલ્હી ખાતે ખાતે એકત્ર થયેલા હિંદુ સાધુ-સંતો પર વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો અને ૬૬ નિર્દોષ સાધુ-સંતોનો ભોગ લીધો હતો. રાજીવ ગાંધીએ શાહબાનો કેસમાં શું કર્યું હતું એ આખો દેશ જાણે છે. સોનિયા ગાંધી અને તેમના સુપુત્ર રાહુલ ગાંધીએ આખા દેશની હિંદુ પ્રજાને મુસ્લિમોની મહેરબાની પર છોડી દેવા માટે સચ્ચર કમિટીની અત્યંત ભયાનક ભલામણો સ્વીકારવાની અને એક અબજ હિંદુઓને લાચાર સ્થિતિમાં મૂકી દેવાની તૈયારી કરી લીધી હતી.
કોંગ્રેસ અને તેના નેતાઓના હિંદુ દ્વેષની કેટલીક વાતો પર માત્ર અછડતી નજર નાખીએ તો પણ ખ્યાલ આવે છે કે, કેટલી હદે તેઓના માનસ હિંદુ વિરોધી છે. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આ દેશની સંપત્તિ પર પહેલો હક્ક મુસ્લિમોનો છે એટલી હદ સુધીનું નિવેદન આપતાં જરાય ખચકાયા નહોતા. મણિશંકર ઐયરનો પાકિસ્તાન પ્રેમજાણીતો છે. જમ્મુ-કાશ્મીરમાં સંજુવાન લશ્કરી મથક પર પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હુમલા બાદ ઐયરે એવું કહ્યું હતું કે, હું પાકિસ્તાનને પ્રેમ કરું છું. તેમણે મોદીને નીચ જાતિના કહીને દેશના દલિત વર્ગને ઉતારી પાડ્યો હતો. વીર સાવરકરજીનું પણ ઐયરે અપમાન કર્યું હતું. તો મોહમ્મદઅલી ઝીણાને તેમણે મહાન નેતા ગણાવ્યા હતા. કોંગ્રેસી નેતા દિગ્વિજયસિંહે પણ હિંદુ વિરોધી બફાટ અનેકવાર કર્યો છે. તેમણે તો કટ્ટર હિંદુ વિરોધી, મઝહબ-ઝનૂની અને દુનિયા આખીમાં ઇસ્લામિક ત્રાસવાદ ભડકાવવાનું કામ કરતા ઝાકીર નાયકની શાંતિદૂત તરીકે બિરદાવલી કરી હતી. કોંગ્રેસી નેતાઓના આવા હિંદુ વિરોધી અનેક દાખલા મોજુદ છે.
શશી થરૂરના બેજવાબદાર વિધાનોનું વિશ્લેષણ કરીએ તો એવું સમજાય છે કે,થરૂરને દુ:ખે છે પેટ અને કૂટે છે માથું. છેલ્લા ઘણાં સમયથી થરૂરનો કોંગ્રેસમાં કે બીજા પક્ષોમાં પણ કોઈ ભાવ પૂછતું નથી એટલે,કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના વ્હાલાં થવા માટે થરૂરે હિન્દુદ્વેષથી ભરેલા વિધાનો કર્યા છે. અગાઉ મોદીજીની પ્રશંસા કરીને એમની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ પણ થરૂરે કર્યો હતો પરંતુ, મોદીજીએ એમને કોઈ ભાવ નહીં આપતાં ફરી થરૂર તેમની ટીકા કરવા લાગ્યા છે. થરૂરને દેશની ચિંતા એટલે થઇ પડી છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તેમને ફરીથી કોંગ્રેસની ટીકીટ મળે. પરંતુ, જે માણસ સામે પત્નીની આત્મહત્યાના કેસમાં આંગળી ચિંધાઈ રહી છે એ આ દેશની ચિંતા કયા મોઢે કરે છે? શશી થરૂરે એવું વિધાન પણ કર્યું છે કે, ભારતમાં મુસ્લિમોને દબાવીને રાખવામાં આવે છે. ૧૦૦ કરોડ હિન્દુઓનું અને સહિષ્ણુતાની ધરોહર સમાન અજોડ હિંદુ સંસ્કૃતિનું અપમાન કરતું આવું નિવેદન કરતાં પહેલાં શશી થરૂરે ભારતના મુસ્લિમો અને અન્ય દેશોમાં રહેતા મુસ્લિમોની સ્થિતિની સરખામણી કરવાની જરૂર હતી. જો થરૂરને મુસ્લિમોની આટલી બધી ચિંતા હોય તો તેમણે પાકિસ્તાન ભેગા થઇ જવું જોઈએ.
નિવેદનમાં શ્રી રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું છે કે, પાકિસ્તાન તો એક અરાજકતા અને અંધાધૂંધી ગ્રસ્ત દેશ છે જ્યાં લઘુમતી હિંદુ,ખ્રિસ્તી વસ્તીનું મહદ્દ અંશે નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે. આજે આખી દુનિયા પાકિસ્તાનને ત્રાસવાદને પાળતો, પોષતો દેશ માની રહી છે ત્યારે ભારતની પાકિસ્તાન સાથે સરખામણી કરીને કોંગ્રેસી સાંસદ શશી થરૂરે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે એટલું જ નહીં, સમગ્ર રાષ્ટ્ર અને ભારતીય પ્રજાનું પણ ભયંકર અને ધ્રુણાસ્પદ અપમાન કર્યું છે. દેશવાસીઓએ કોંગ્રેસ અને તેના આવા હીન માનસિકતા નેતાઓને સુપેરે ઓળખી લેવાની જરૂરત છે. હિંદુ અને હિન્દુત્વ વિરોધી બફાટ કરવાની કોંગ્રેસીઓમાં ફેશન ચાલી છે પરંતુ, તેઓ આ દેશની કઈ હદે ઘોર ખોદી રહ્યા છે તેની તેઓને કલ્પના પણ નથી.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના મુસ્લિમ પ્રેમની જાહેરાત બાદ હવે દેશનો કોઈપણ હિંદુ નાગરિક કઈ રીતે કોંગ્રેસનો સાથ આપી શકે એવો સવાલ કરીને શ્રી ધ્રુવે જણાવ્યું છે કે, શાણી ભારતીય પ્રજા આગામી લોકસભા ચૂંટણીઓમાં તેઓને જડબાતોડ જવાબ આપશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી.