પ્રતિબંધિત ટાપુ પર દરરોજ ૧૦૦થી વધુ લોકો અવર-જવર સાથે રાતવાસો પણ કર છે તેમ છતાં તંત્રના આંખ આડા કાન
જામનગરના વિશ્વ વિખ્યાત પિરોટન ટાપુ પર એકાદ વર્ષ પહેલા એક ઈસમના મૃત્યુ બાદ આ ઈસમને આ જ ટાપુ પર તંત્રની જાણ વિના દફનક્રિયા કરી હતી અને અગાઉ પણ આવી દફન ક્રિયાઓ થયેલ છે, પિરોટન ટાપુ મરીન નેશનલ પાર્કમાં સમાવિષ્ટ છે અને ત્યાં તંત્રની પરવાનગી વિના જઈ શકાતું નથી એટલું જ નહીં હાલમાં ત્યાં જવા આવવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ છે અને સરકાર પણ આ ટાપુને વિકસાવવા વિચારી રહી છે. આ ટાપુ પર સુરક્ષા, પર્યાવરણ અને જળચર પ્રાણીઓ પર ખતરો સેવાઈ રહ્યો છે, તંત્ર પણ આનાથી અજાણ તો નથી જ.
જામનગર જિલ્લાની જેમ દ્વારકા જિલ્લામાં પણ બે ડઝન જેટલા ટાપુઓ આવેલા છે. અમુક જગ્યાઓ પર ધાર્મિક સ્થળો પણ છે છતાં પણ પૂર્વ પરવાનગી વગર પ્રવેશ નિષધ ફરમાવતું જાહેરનામું અમલી બનાવવામાં આવેલું છે ત્યારે ઓખા નજીક પ્રતિબંધિત મીઠા ચુસણા ટાપુ પર સતાધિકારીની પૂર્વ મંજુરી વગર તાજેતરમાં જ પ્રવેશ મામલે દોઢસો લોકો સામે ગુન્હો નોંધેલ, ઓખા મરીન પોલીસ અા ગુનો નોંધી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરેલી છે. હિન્દુ સેના ગુજરાતના પ્રમુખ પ્રતિક ભટ્ટના કહેવા મુજબ જામનગર જિલ્લાના ઘણા ટાપુઓ પર આવવા-જવા પર પ્રતિબંધ છે છતાં બેરોકટોક લોકો જાય છે અને પિરોટન ટાપુ પર તો રોજના ૧૦૦ થી ૨૦૦ લોકો આવ-જા કરે છે અને રાત્રી દરમ્યાન ૫૦ થી ૮૦ લોકોનું રોકાણ થાય છે છતાં તંત્ર મૌન સેવે છે, નથી ફરિયાદ કરવાની હિંમત કે નથી નિયમોનું પાલન કરાવવાની તાકાત. ખરેખર હિન્દુ સેના દ્વારા ગત વર્ષે એક મુંજાવરની દફનક્રિયાને લઈને પ્રતિક્રિયા આપેલ ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું તેમ છતાં આજ દિવસ સુધી કોઈ કઠોર કાર્યવાહી કરી શકયું જ નથી. મરીન નેશનલ પાર્ક અને વન વિભાગ દ્વારા કે મરીન પોલીસે એક વર્ષથી વધુ સમયથી પિરોટન ટાપુ પર જવા પર રોક લગાવેલ છતાં લોકોને જતા અટકાવી શકયા નથી ત્યારે હિન્દુ સેનાના સૈનિકોને પિરોટન ટાપુ પર આવેલ પ્રગટેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે જવા દેવા જોઈએ તેવી પણ વિશેષ રજુઆત કરી છે તેમ હિન્દુ સેનાનાં ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટની યાદીમાં જણાવાયું છે.