હિતેશ રાવલ, અબતક
- એક તરફ રાજ્યભરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે તો બીજી તરફ નિયમ ભંગના બનાવ પણ વધ્યા છે. બેખૌફ અને બેવકૂફ લોકો વકરતા કોરોનાને વધુ પ્રસરવાનું આમંત્રણ આપી રહ્યા છે. વધતા જતા કોરોના સંક્રમણને અટકાવવા રાજ્યભરમાં કડક નિયમો લદાયા છે. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા વહીવટી તંત્ર, પોલીસ ખડેપગે છે પરંતુ તેમછતાં જાગૃકતાના અભાવે નિયમોનો સરેઆમ ઉલાળીયો થઈ રહ્યો છે. સાબરકાંઠામાં ફરી એકવાર લગ્ન પ્રસંગમાં ગાઈડલાઈનના લીરેલીરા ઊડયા છે.
હિંમતનગરના નાની ડેમાઈ ગામે લગ્ન પ્રસંગે સરકારી ગાઈડલાઈનની ભાન ભૂલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
સોશિયલ ડિસ્ટન્સના અભાવ અને વગર માસ્કે લોકો જોવા મળ્યા હતા. આ દરમિયાન બનાવની જાણ થતાં લગ્નના વરઘોડામાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે રેડ પાડતા ખળભળાટ મચી જવા પામ્યો છે.વગર મંજૂરીએ લગ્ન અને વરઘોડો કાઢતા 18 લોકો વિરુદ્ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ હિંમતનગર ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, હિંમતનગરમાં આ અગાઉ પણ એક લગ્ન પ્રસંગ દરમિયાન પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં વરરાજા સહિતના લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. હજુ આ મુદ્દો સમ્યો નથી ત્યાં વધુ એક નિયમ ભંગનો બનાવ સામે આવ્યો છે. હાલ લગ્ન પ્રસંગમાં માત્ર 50 લોકોને જ ભેગા થવાની મંજૂરી છે. આવો જ વધુ એક બનાવ સાબરકાંઠાના પોસીના તાલુકામાં પણ સામે આવ્યો છે. કોરોના મહામારીના વ્યાપક ભય વચ્ચે લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો માસ્ક અને સામાજિક અંતર વિના ઉમટી પડ્યા હતા. પોલીસની મંજૂરી લેવા છતાં જાહેરનામાનો ભંગ કરતા થયો છે. આ બનાવને પગલે હવે પોલીસ કાર્યવાહી કરી નિયમ ભંગ કરનારાને સજા ફટકારશે કે કેમ તે જોવાનું રહ્યું.