સાબરકાંઠા, હિતેશ રાવલ:
સૌરાષ્ટ્ર-ગુજરાત સહિત સમગ્ર દેશમાં વરસાદી માહોલ જામતા અનેક સ્થળોએ વૃક્ષ, વિજ થાંભલા તેમજ મકાનો ધરાશાયી થવાના બનાવો બનતા હોય છે. ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં જર્જરિત બિલ્ડીંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. જો કે આ બનાવમાં મોટી દુર્ઘટના ટળી હતી.
શહેરના ટાવર ચોકમાં આવેલ જર્જરિત બિલ્ડીંગ ધરાશાયી થઈ.
રોજના હજારો લોકો આ માર્ગેથી પસાર થતા હોય છે અને હાલ આ રોડ પર ઓચિંતી બિલ્ડિંગનો એક બાજુનો ભાગ પડતા અફરાતફરી મચી ગઇ હતી.
મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ ??
હિમંતનગર પાલિકા દ્વારા શહેરમાં જર્જરિત મકાનો ઉતારી લેવા નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં ચોમાસુ બેસી જવા છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરાઈ નથી. આ બનાવમાં કોઈ મોટી જાનહાનિ તો થઇ નથી પરંતુ જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો આ માટે જવાબદાર કોણ..??
સાંખલા બિલ્ડીંગના માલિકો અને પરિજનો ભાજપમાં જોડાયેલા છે. આથી તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. સાંખલા બિલ્ડિંગના પરિવારજન અને પાલિકાના ભાજપના કોર્પોરેટરે ફાયર બ્રિગેડને બોલાવી લટકતા બોર્ડ અને એસીને ઉતારવાની કામગીરી હાથ ધરી છે.
અંદાજે 65 વર્ષ જૂની જર્જરિત ત્રણ માળની બિલ્ડીંગને નોટિસ છતાં કાર્યવાહી કેમ નહીં ?
હિંમતનગર શહેરના ટાવર ચોકમાં આવેલ આ બિલ્ડિંગ અંદાજે 65 વર્ષ જૂની છે. અને અતિ જર્જરિત હાલતમાં છે. આ બિલ્ડીંગ સામે અન્ય એક સરકારી જર્જરિત બિલ્ડીંગને ઉતારી લેવા પણ નોટિસ ફટકારવામાં આવી છે. છતાં કાયદો ગોળીને પી ગયા હોય તેમ કોઈ કાર્યવાહી થઈ રહી નથી.