તુર્કી જેવા ભૂકંપની આગાહી બાદ ધરા ધ્રુજતા લોકોમાં પણ ડરનો માહોલ
હિમાલય રેન્જ જોખમમાં હોવાની આગાહી કરવામાં આવી છે. તેવામાં ઉત્તરાખંડમાં 12 કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા નોંધાયા છે. જેને પરિણામે લોકોમાં ડરનો માહોલ છવાયો છે.
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહીં એક પછી એક ચાર ભૂકંપ આવ્યા. રાત્રે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે રાહતની વાત એ છે કે જિલ્લાના કોઈપણ તાલુકામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સાથે જ ભૂકંપના આંચકા બાદ જિલ્લાના લોકો પરિવાર સાથે રાત્રિના સમયે બહાર રોકાયા હતા.
આઈએમડી તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, બપોરે 12:45 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 હતી. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. શનિવારે મોડી રાત્રે ઉત્તરકાશીમાં એક પછી એક ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. હાલમાં, આ સમયગાળા દરમિયાન કોઈ જાનહાનિ કે સંપત્તિના નુકસાનની કોઈ માહિતી નથી. પહેલો આંચકો 12:40, બીજો 12:45 અને ત્રીજો 01:01 વાગ્યે અનુભવાયો હતો.
ઉલ્લેખનિય છે કે સિસ્મોલોજી વિભાગના વૈજ્ઞાનિકોએ આગાહી કરી છે કે હિમાલય રેન્જ ઉપર ભારણ વધ્યું છે. જેના કારણે તે જોખમમાં મુકાયું છે. અહીં તુર્કી કરતા પણ ભયાનક ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે.
નિકોબાર ટાપુ ઉપર 5ની તીવ્રતાનો ભૂકંપ
આજે સવારે આંદામાન-નિકોબાર ટાપુઓના નિકોબાર ટાપુ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે લગભગ 5:07 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.0 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ કરી નથી.