હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શનિવારે મોડી રાત્રે 12.20 કલાકે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં રાજ્ય પરિવહન નિગમની બે બસો, કેટલાંક વાહનો અને મકાનો દટાઈ જતાં 60 લોકોનાં મોતની શંકા સેવાઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મંડી જિલ્લાના જોગિન્દર તાલુકાનાં કોટરોપી ગામ નજીક મંડી-પઠાણકોટ ધોરી માર્ગ પર ભૂસ્ખલન થયું હતું.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક અધિકારીઓ, સેના અને એનડીઆરએફની ટીમોએ રાહત અને બચાવકાર્ય શરૂ કરી દીધું હતું.
પીએમ મોદીએ પણ દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોના પરિવારોને દિલાસો પાઠવ્યો છે. નેપાળમાં ભારે વરસાદને પગલે આવેલાં પૂર અને ભૂસ્ખલનમાં ઓછામાં ઓછાં 36 લોકોનાં મોત થયાં છે અને ડઝનો લોકો લાપતા બન્યાં છે. સૌથી વધુ જાનહાનિ તેરાઈ પ્રદેશમાં થઈ છે.
પ.બંગાળમાં પણ પૂરપ્રકોપ પાંચ જિલ્લા પાણીમાં
પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને કારણે ઉત્તરના પાંચ જિલ્લામાં ભારે પૂર આવ્યાં છે. સીએમ મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, ચાના 100 બગીચા પાણીમાં ડૂબી ગયા છે. રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં તમામ સહાય પૂરી પાડી રહી છે.