હિકાની દિશા નહિ બદલાય તો ગુજરાત ઉપર ત્રાટકશે, 120 કિ.મી સુધીની ગતિએ પવન ફૂંકાશે :
અગાઉ ઓમાન-મસ્કત તરફ ફંટાઈ જવાની શક્યતા બાદ ફરી વાવાઝોડાની દિશા બદલાઈ
દ્વારકા જિલ્લા સહિતના બંદરો ઉપર એક નંબરના સિગ્નલ લગાવાયા
હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ગુજરાત પણ તેમાંથી બાકાત રહ્યું નથી.અધૂરામાં પુરુ વધુ એક સંકટ ગુજરાત ઉપર તોળાઈ રહ્યું છે. હિકા નામનું વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે. આ વાવાઝોડું જો ગુજરાતમાં પ્રવેશે તો 120 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
અત્યારે સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાત માથે વાવાઝોડાનું સંકટ પણ ઊભું થયું છે. વાવાઝોડુ ‘હિકા’ આગામી ચોથી અને પાંચમી જૂનના રોજ ગુજરાતના દ્વારકા, ઓખા અને મોરબી થઈ કચ્છ તરફ ફંટાય તેવી દહેશત છે. આ વાવાઝોડું કચ્છના કંડલા અને આજુબાજુના વિસ્તારોને ધમરોળતું રાજસ્થાન તરફ આગળ વધે અને ત્યાં વિખેરાઇ જાય તેવી શક્યતાઓ છે.
અગાઉ હિકા વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જવાનું હતું. પરંતુ અરબી સમુદ્રમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે હવે આ વાવાઝોડું ગુજરાત તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તો કલાકના 120 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
હજુ આ વાવાઝોડાનું નિર્માણ પણ થયું નથી. આગામી તા.1 જૂનના રોજ આ વાવાઝોડું આકાર લેનાર છે. જો કે અગાઉ આ વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકવાની શકયતા દેખાઈ રહી હતી. જે વડોદરા નજીકના દરિયાકાંઠેથી પ્રવેશીને દાહોદ સુધી પહોંચવાનું હતું. બાદમાં આ વાવાઝોડું દિશા બદલીને ઓમાન તરફ ફંટાવાનું હોય તેવી શકયતા જોવા મળી હતી. અને આજે ફરી આ વાવાઝોડાની દિશા બદલાવાની હોવાનું ધ્યાને આવ્યું છે. હવે આ વાવાઝોડું દ્વારકાના દરિયાકાંઠેથી ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ છે. જો કે વાવાઝોડું સતત દિશા બદલતું હોય હજુ પણ દિશા બદલાઈ જાય તેવા સંકેતો મળી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ વાવાઝોડાની અત્યારે જે સ્થિતિ છે તે કોઈ ફેરફાર થયા વગર યથાવત રહેશે તો ગુજરાતમાં ભારે ખાના- ખરાબી સર્જાશે તે નક્કી છે.પરંતુ વાવાઝોડાની સતત બદલાતી દિશાના લીધે હજુ ચોક્ક્સપણે ન કહી શકાય કે ગુજરાત ઉપર જ આ વાવઝોડું ત્રાટકશે.