સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનનો ડામર એકશન પ્લાન માટે રૂ.૨૦ કરોડનો ખર્ચ અને ડીઆઈ પાઈપલાઈન નાખવા ખોદેલા રસ્તાઓ પર ફરી પેવર કરવા રૂ.૧૨.૫૦ કરોડનો ખર્ચ મંજુર કરવાની દરખાસ્ત: જર્જરીત અને ભયગ્રસ્ત મકાનોનાં નિરીક્ષણ માટે સ્ટ્રકચર એન્જિનીયરની નિયુક્તિ કરાશે
શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક બિછાવવા માટે અનેક વિસ્તારોમાં રાજમાર્ગોને આડેધડ ખોદી નાખવામાં આવ્યા છે. અહીં ફરીથી ડામર કરવામાં આવશે. આ ઉપરાંત શહેરનાં વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનનો સમાવિષ્ટ ૧૨ વોર્ડમાં ડામર એકશન પ્લાન મંજુર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી છે. કોર્પોરેશનમાં આગામી શુક્રવારનાં રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ-અલગ ૮ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે વેસ્ટ ઝોન હેઠળનાં વોર્ડ નં.૧, ૮, ૯, ૧૦, ૧૧ અને ૧૨નાં વિસ્તારોમાં રસ્તાઓ પર કાર્પેટ, રીકાર્પેટ તથા પેચવર્ક કરવા માટેનાં ૧૦ કરોડનાં કામ માટે ટેન્ડર પ્રસિઘ્ધ કરવામાં આવ્યું હતું. આ કામ ૨૧.૭૮ ટકા ઓછા ભાવે પવન ક્ધટ્રકશન કંપનીએ કરી આપવાની ઓફર આપી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે સેન્ટ્રલ ઝોનનાં વોર્ડ નં.૨, ૩, ૭, ૧૩, ૧૪ અને ૧૭નાં વિસ્તારોમાં રસ્તાઓ પર કાર્પેટ, રીકાર્પેટ તથા પેચવર્ક કરવા માટે રૂા.૧૦ કરોડનાં કામનું ટેન્ડર પ્રસિઘ્ધ કરાયું હતું જે કામ ૨૧.૪૨ ટકા ઓછા ભાવે રાજ ચામુંડા ક્ધટ્રકશન કંપનીએ કરી આપવાની ઓફર આપી છે. બે ઝોનમાં ડામર એકશન પ્લાન માટે ૨૦ કરોડનો ખર્ચ મંજુર કરવા અંગે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત મુકવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં યુટીલીટીઝ માટે ખોદાણ કરવામાં આવ્યું હતું જેનાથી ડેમેજ થયેલા રસ્તાઓ રૂા.૧૨.૫૦ કરોડનાં ખર્ચે રીપેર કરવામાં આવશે. આ કામ રૂા.૨૫.૨૦ ટકા ડાઉનથી પવન ક્ધટ્રકશન કંપનીને આપવા દરખાસ્ત રજુ કરાઈ છે. આ કામ અંતર્ગત વોર્ડ નં.૭માં પ્રહલાદ પ્લોટ, કરણપરા, વર્ધમાનનગર, દિવાનપરા, રામનાથપરા, હાથીખાનાનાં અમુક વિસ્તારો ઉપરાંત વોર્ડ નં.૧૪માં નવયુગપરા, ઘાંચીવાડ, સોરઠીયા પ્લોટ, કુંભારવાડા, હાથીખાના (પાર્ટ), જયરાજ પ્લોટ, કેવડાવાડી, ગુંદાવાડી, ગોવિંદપરા, કોઠારીયા કોલોની, પુજારા પ્લોટ, બાપુનગર સહિતનાં વિસ્તારોમાં ડીઆઈ પાઈપલાઈન નાખવા માટે જે વિસ્તારો ખોદવામાં આવ્યા હતા જયાં નવેસરથી ડામર કરવામાં આવશે.
મહાપાલિકા વિસ્તારમાં જુદા-જુદા પ્રકારનાં ભયગ્રસ્ત મકાનોનું નિરીક્ષણ અને અહેવાલ આપવા માટે સ્ટ્રકચર એન્જીનીય તરીકે સાવન કાકડીયાની નિમણુક કરવા પણ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરવામાં આવી છે જેમાં હાઉસીંગ બોર્ડ, રૂરલ બોર્ડ, અન્ય જુના મકાન કે કોલોનીમાં સર્વે કરવામાં આવશે. જેમાં રહેણાંક અને વાણિજય હેતુની મિલકતમાં પ્રતિ ચોરસ મીટર રૂા.૪૦ જયારે લો-રાઈઝ અને હાઈરાઈઝમાં રૂા.૩૫ અને ઈન્ડસ્ટ્રીઝમાં રૂા.૩૦ ચુકવવામાં આવશે. રેટ્રો ફીટીંગ સાથે રેસીડેન્સ અને કોમર્શિયલમાં પ્રતિ ચોરસ મીટર રૂા.૭૦ અને ઈન્ડસ્ટ્રીઝમાં પ્રતિ ચોરસ રૂા.૫૫ ચુકવવામાં આવશે.
વેરા વળતર યોજનાની મુદત ૩૧ જુલાઈ સુધી વધશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ૧૪,૦૦૦ કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે જેમાં વાણિજય અને રહેણાંક હેતુની મિલકતને પણ વેરામાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત મહાપાલિકા દ્વારા હાલ ચાલી રહેલી ૧૦ ટકા વેરા વળતર યોજનાની મુદત ૩૧મી જુલાઈ સુધી લંબાવવામાં આવશે. મુખ્યમંત્રીની વેરા માફીની જાહેરાત અંતર્ગત શહેરમાં વાણિજય હેતુની મિલકતને એડવાન્સ ટેકસ ભરશે તો ૨૦ ટકા રાહત મળશે. જો મહિલાનાં નામે મિલકત નોંધાયેલી હશે તો ૨૫ ટકા જેટલી રાહત આપવામાં આવશે. અગાઉ વેરા વળતર યોજનાની મુદત ૩૦ જુન સુધી લંબાવવામાં આવી હતી હવે મુખ્યમંત્રીની જાહેરાતનાં પગલે મુદત ૩૧મી જુલાઈ સુધી લંબાવવામાં આવી છે જેમાં રહેણાંક મિલકતો માટે સામાન્ય કર અને પાણી વેરામાં ૧૦ ટકા વળતર આપવામાં આવશે. મહિલાનાં નામે નોંધાયેલી મિલકતમાં ૫ ટકા વિશેષ વળતર સાથે કુલ ૧૫ ટકા વળતર અપાશે. ઓનલાઈન વેરો ભરનારને વધારાનો ૧ ટકો વળતર અપાશે. કોમર્શિયલ અને બિનરહેણાંક હેતુની મિલકતને હાલ એડવાન્સ ટેકસ ભરે તો ૧૦ ટકા વળતર આપવામાં આવે છે પરંતુ મુખ્યમંત્રીની જાહેરાત અંતર્ગત હવે આવી મિલકતોને ૧૦ ટકા વધુ સાથે કુલ ૨૦ ટકા વળતર આપવામાં આવશે. મહિલાનાં નામે નોંધાયેલી કોમર્શિયલ મિલકતમાં ૨૫ ટકા વળતર મળશે. કરદાતાઓને આશરે ૧૩ થી ૧૪ કલરનો ફાયદો થશે.