શહેરમાં માથુ ઉંચકી રહેલા રોગચાળાને નાથવા આરોગ્ય અને સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજતા મેયર-સ્ટે.ચેરમેન
છેલ્લા વીસેક દિવસથી શહેરમાં સતત વાદળછાયા વાતાવરણના કારણે શહેરમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સહિતના રોગચાળાએ માથુ ઉંચકયું છે. સાતમ-આઠમના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે મેળાના કારણે રોગચાળો હજી વધે તેવી દહેશત ઉભી થવા પામી છે ત્યારે રોગચાળાને નાથવા માટે આજે મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આરોગ્ય અને સોલીડ વિભાગના કર્મચારીઓ તથા અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને અલગ-અલગ કામગીરી કરવા સુચના આપી હતી.
આજે બપોરે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આરોગ્ય વિભાગ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા સાથે બેઠક યોજી હતી જેમાં રોગચાળાને વકરતા અટકાવવા માટે કેટલીક સુચનાઓ આપવામાં આવી હતી.
રોડની બંને સાઈટ ઝાડ-પાન ઉગી નિકળ્યા હોય તો તે કાઢી નાખવા, સતત ઝાપટાના કારણે પાણીના ખાબોચીયા ભરાતા હોય તો ત્યાં ઓઈલનો છંટકાવ કરવો, રાજમાર્ગો પરના ખાડાઓ તત્કાલ મોરમથી બુરી દેવા, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે ડીડીટીનો નિયમિત છંટકાવ કરવા, શહેરમાં જે વિસ્તાર માંથી રોગચાળાના કેસો વધુ મળી આવતા હોય ત્યાં ફોગીંગ કરવા, જાહેર સ્થળોએ સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવા તાકીદ કરવામાં આવી છે.
આટલું જ નહીં આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકો બહારનું વધુ ખાતા હોય છે આવામાં શહેરીજનોને શુઘ્ધ ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ફુડ વિભાગને પણ ચેકિંગની કામગીરી ધનિષ્ઠ બનાવવા માટે સુચના આપવામાં આવી છે. કોર્પોરેશનના કોલ સેન્ટરમાં નોંધાતી આરોગ્યલક્ષી કે સફાઈની ફરિયાદોનો યુદ્ધના ધોરણે નિકાલ કરવા પણ તાકીદ કરાઈ છે.