કોલગેસીફાયર બનાવતી કંપનીઓએ નવુ મોડેલ બનાવી તેના ઉપર પેટર્ન

મેળવીને હાઈકોર્ટમાં અરજી કરી, મયુર નેચર કલબ સહિતની સંસ્થાઓ મેદાને

મોરબી સીરામીક ઉદ્યોગોમાં વપરાતા કોલગેસીફાયર બંધ કરવાના નિર્ણયને મોરબીવાસીઓએ આવકાર્યો છે. કારણકે કોલ ગેસીફાયરના ઉપયોગથી મોરબીમાં પ્રદુષણ ફેલાતું હતું. જેનાથી લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ પણ ઉભું થતું હતું. હાલ સીરામીક ઉદ્યોગો નેચરલ ગેસ તરફ વળી ગયા છે. જે ખૂબ સરાહનીય છે. જોકે કોલગેસીફાયર ફરીથી શરુ કરવા જે હિલચાલ કરવામાં આવી રહી છે જેનો મોરબીની પર્યાવરણ પ્રેમી સંસ્થાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

કોલગેસીફાયર બનાવતી અમુક કંપનીઓ અને કોલ માફિયાઓ સાથે મળીને પોતાના અંગત સ્વાર્થ માટે કોલગેસીફાયર ફરી શરૂ કરાવવાની પેરવી કરી રહ્યા છે. આ અંગે જાણવા મળતી વિગત મુજબ કોલ ગેસીફાયર શરુ કરવા તેઓએ નત નવીન મોડેલ બનાવીને પેટર્ન મેળવીને સુપ્રીમકોર્ટમાં અરજી પણ કરી છે. ત્યારે પૈસા કમાવવા માટે લોકોના જીવ સામે જોખમ ઉભું કરવાના કોલગેસીફાયર કંપની દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

તેની સામે મયુર નેચર કલબ સખત વિરોધ નોંધાવે છે. કોલગેસીફાયરને ફરી શરૂ કરાવવા માટે જે કંપનીઓ તુત રચી રહી છે. તેને ઉઘાડી પાડવી જોઈએ. પર્યાવરણ પ્રેમી સીરામીક ઉદ્યોગકારો અને મોરબી સીરામીક એસોસિએશનએ પણ આ મામલે અવાજ ઉઠાવવો જોઈએ. વધુમાં પર્યાવરણપ્રેમી જનતા તેમજ આગેવાનોએ જાહેરમાં આવીને અંગત સ્વાર્થ માટે પ્રદુષણ ફેલાવવાના કારસા સામે લડત આપવી જોઈએ.

એક તરફ પ્રદૂષણના કારણે આજે ઘાતક રોગોનું પ્રમાણ વધ્યું છે. ઉપરથી વાતાવરણને પણ પ્રદુષણને કારણે ગંભીર અસર પહોંચી રહી છે. ત્યારે માનવ જીવનના હિતાર્થે તમામ લોકોએ પણ પ્રદુષણ સામે વિરોધ નોંધાવવો જોઈએ. કોલગેસીફાયર પુન:શરૂ કરવાના ષડયંત્ર સામે જરૂર પડ્યે મયુર નેચર કલબ સહિતની સંસ્થાઓ કાયદેસરની કાર્યવાહી કરવાની પણ તૈયારી બતાવી છે. મયુર નેચર ક્લબ ઉધોગોનો વિરોધ નથી કરતું.

બસ આપણા મોરબીને લાંબા સમય સુધી પ્રદુષણ મુક્ત રાખવા માટે કોલ ગેસીફાયર પ્લાન્ટ પર મુકેલો પ્રતિબંધ યથાવત રહે તે જ સમગ્ર મોરબીના હિત છે. માટે હાલમાં કોલગેસીફાયર પ્લાન્ટ બનાવતી કંપનીઓ દ્વારા પોતાના અંગત ફાયદા માટે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીનું પગલું અયોગ્ય છે. ત્યારે આ સામુહિક પ્રશ્ને મોરબીની અન્ય પર્યાવરણ પ્રેમી સંસ્થા અને આગેવાનો પણ કોલ ગેસીફાયરના વિરોધમાં આગળ આવવા જાહેર અપીલ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.