મોરબી: મોરબીમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનવાની સાથે બેકાબુ બનતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય સચિવ જયંતિ રવિ ઉપરાંત ગાંધીનગરથી આવેલા ઉચ્ચ અધિકારીઓના કાફલાએ જિલ્લા વહીવટી તંત્ર સાથે ઉચ્ચ સ્તરીય મિટિંગ કરી મોરબીની જમીની હકીકતનો તાગ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.

મોરબી પરશુરામ પોટરી સ્થિત હેલિપેડથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સીધા જ જિલ્લા સેવાસદન ખાતે પહોંચ્યા હતા જ્યાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, આરોગ્ય સચિવ જયંતિ રવિએ મોરબીના પ્રભારી સચિવ મનીષા ચંદ્રા, સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્યો, પાલિકા પ્રમુખ, કલેકટર, અધિક કલેક્ટર, રેન્જ આઈજી, એસપી, જિલ્લા ભાજપ પ્રમુખ,જિલ્લા આરોગ્ય અધિકારી, સહિતના 19 જેટલા અધિકારી, પદાધિકારીઓ સાથે બેઠક યોજી પ્રવર્તમાન સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.

જો કે મુખ્યમંત્રી સહિતનો કાફલો માત્ર મિટિંગ કરીને ચાલ્યા જવાને બદલે મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાની સાથે એકાદ કોરોના ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લે તો સાચી હકીકત સામે આવે તેમ હોવાનું લોકો ઈચ્છી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.