- 2019ની સરખામણીએ 2024માં સૌરાષ્ટ્ર-કચ્છની તમામ આઠેય લોકસભા બેઠકો પર મતદાનની ટકાવારીમાં ઘટાડો
- ગરમી અને વેકેશનના કારણે મતદાન ઘટયું હોવાનું તારણ
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 25 બેઠકો માટે સરેરાશ 59.49 ટકા જેટલું મતદાન થયું છે. 2019ની સરખામણીએ મતદાનની ટકાવારીમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છની 8 બેઠકો પૈકી સૌથી વધુ મતદાન રાજકોટ બેઠક પર થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલી બેઠક પર થયું છે. બેલેટ પેપરની ગણતરી કર્યા બાદ મતદાનની ટકાવારીમાં થોડો ફેરફાર થવાની સંભાવના છે. નીચા મતદાને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષની ચિંતામાં વધારો કરી દીધો છે.
વર્ષ-2019માં યોજાયેલી ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર સરેરાશ 64.12 ટકા જેટલું મતદાન થયું હતું. આ વખતે 59.49 ટકા મતદાન થયું હોવાનું નોંધાયું છે. પાંચ વર્ષમાં મતદાનની ટકાવારીમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે. જે લોકશાહી માટે સારા સંકેતો નથી. 2019માં સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર થયેલા મતદાનની ટકાવારીમાં નજર કરવામાં આવે તો કચ્છ 58.22 ટકા, સુરેન્દ્રનગર બેઠક પર 57.85 ટકા, રાજકોટ બેઠક પર 63.15 ટકા, પોરબંદર બેઠક પર 56.79 ટકા, જામનગર બેઠક પર 60.70 ટકા, જૂનાગઢ બેઠક પર 60.74 ટકા, અમરેલી બેઠક પર 55.75 ટકા અને ભાવનગર બેઠક પર 58.41 ટકા મતદાન થયું હતું. 2019માં પણ સૌરાષ્ટ્ર-કચ્છની આઠ પૈકી રાજકોટ બેઠક પર સૌથી વધુ મતદાન નોંધાયું હતું. આ વખતે પણ રાજકોટના મતદારોએ આ પરંપરા જાળવી રાખી છે. પરંતુ મતદાનની ટકાવારીમાં 3 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. 2024ની વાત કરવામાં આવે તો કચ્છ બેઠક પર 55.05 ટકા, સુરેન્દ્રનગર બેઠક પર 54.45 ટકા, રાજકોટ બેઠક પર 59.60 ટકા, પોરબંદર બેઠક પર 51.59 ટકા, જામનગર બેઠક પર 57.17 ટકા, જૂનાગઢ બેઠક પર 58.80 ટકા, અમરેલી બેઠક પર 49.22 ટકા અને ભાવનગર બેઠક પર 52.01 ટકા મતદાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. તમામ બેઠકો પર મતદાન ઘટ્યું છે. મતદાનની ટકાવારી ઘટવા પાછળના અનેક કારણો માનવામાં આવે છે. જેમાં મહત્વપૂર્ણ કારણ હોય તો કાળઝાળ ગરમી અને વેકેશનનો માહોલ મનાઇ રહ્યો છે. ક્યાંય ઉમેદવારો સામેની નારાજગી તો ક્યાંય અલગ-અલગ સમાજના વિરોધના કારણે મતદાનની ટકાવારીમાં ઘટાડો થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.