‘મેઘ’ મહેરે જગતના તાતને ખુશખુશાલ કરી દીધો
કપાસ બાદ 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર,ગત વર્ષ કરતાં 7.41% વાવેતર વધ્યું: સૌરાષ્ટ્રભરમાં કુલ 30.92 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ: ખેડુત રાજી-રાજી
મેઘમહેરે જગતના તાતને ખુશખુશાલ કરી નાખ્યો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘમહેર વચ્ચે વાવણી ખીલી ઉઠી છે. સૌરાષ્ટ્રમાં 30,92,100 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે ત્યારે સૌથી વધુ વાવેતર 15.42 લાખ હેક્ટરમાં કપાસનું અને ત્યાર બાદ દ્વિતીય ક્રમે 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું થયું છે. સમગ્ર રાજ્યમાં આ સાલ કપાસનું વાવેતર 11 ટકા વધ્યું છે તો મગફળીનું વાવેતર 7.41 ટકા ઘટ્યું છે. ખેતીવાડી વિભાગની વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં 4.62 લાખ, જામનગરમાં 3.03 લાખ, મોરબીમાં 2.14 લાખ, સુરેન્દ્રનગમાં 3.50 લાખ, પોરબંદરમાં 91,600, જૂનાગઢમાં 3.12 લાખ, અમરેલીમાં 5.19 લાખ, ભાવનગરમાં 3.53 લાખ, બોટાદમાં 1.69 લાખ, ગીર સોમનાથમાં 1.44 લાખ અને દેવભૂમિ દ્વારકામાં 1.71 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. કપાસનું 15,42,700 હેક્ટર અને મગફળીનું 12,18,600 હેક્ટરમાં વાવેતર થયું છે.